ગાંધીનગરઃ રાજ્યના પાટનગર એવા ગાંધીનગર શહેર ખૂબજ હરિયાળું અને વૃક્ષોથી લીલુછમ ગણાતુ હતું. ઉનાળાના દિવસોમાં તો ગાંધીનગરની હદમાં પ્રવેશતા જ ઠંડકનો અહેસાસ થતો હતો. પરંતુ વિકાસ માટે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. બરોકટોક અનેક લીલાછમ વૃક્ષોને ધડમૂળથી કાપી નંખાયા છે. ગાંધીનગરની ઓળખ જ લીલાંછમ શહેર તરીકે થતી હતી. પણ હમણાં જે સર્વે રિપોર્ટ સામે આવ્યો એ ચોંકાવનારો છે. આ રિપાર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ પ્રકાશિત કર્યો છે. એમાં એવું ટાંકવામાં આવ્યું છે. કે, ગાંધીનગરનાં વૃક્ષો હવે ઘટાદાર રહ્યાં નથી. છેલ્લાં સાત વર્ષમાં 30 ટકા વૃક્ષો ઓછાં થઈ ગયાં છે. આ રિપોર્ટ પછી ગુજરાતના વનતંત્રે એવું નક્કી કર્યું છે કે ગાંધીનગરની ઘટી ગયેલી વૃક્ષોની ગીચતા પાછી મેળવવા 22 લાખ વૃક્ષ વાવવામાં આવશે.
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં વર્ષ 2017 અને વર્ષ 2019ની વચ્ચે વૃક્ષોનું ગાઢ આવરણ ગુમાવી દીધું છે. ગાંધીનગરમાં મધ્યમ ગાઢ જંગલ વિસ્તાર, 40-70% સાથે કેનોપી ડેન્સિટી (ગાઢ લીલું આવરણ) માત્ર 10-40% વૃક્ષોની ગીચતા ધરાવતો ખુલ્લો વિસ્તાર બની ગયો છે. લીલું ગાંધીનગર હવે એટલું લીલું નથી રહ્યું જેટલું પહેલાં હતું. આની પાછળનું સૌથી મોટું કારણ વિકાસને માનવામાં આવે છે. ગાંધીનગરમાં છેલ્લા દસકામાં નવા-નવા પ્રોજેક્ટ બન્યા, એમાં ગિફ્ટસિટી, મેટ્રો રેલ પ્રોજેક્ટ, ફ્લાય ઓવર્સ, આઇકોનિક રેલવે સ્ટેશન, આ બધા પ્રોજેક્ટ્સને કારણે વૃક્ષો કાપી નાખવા પડ્યાં છે. ગાંધીનગરમાં 30 ટકા વૃક્ષો ઓછાં પણ થઈ ગયાં છે.
સામાજિક વનીકરણ વિભાગના 2003માં સર્વેક્ષણમાં કહેવાયું હતું કે ગાંધીનગરમાં દર 100 વ્યક્તિએ 416 વૃક્ષ હતાં. પછી 2015માં 100 વ્યક્તિએ 456 વૃક્ષો થયાં અને ફરી ઘટીને 100 વ્યક્તિએ 412 વૃક્ષ થઈ ગયાં છે, એટલે 2015 પછી જે વૃક્ષો વધ્યાં હતાં, ગીચતા વધી હતી એ ઘટી ગઈ. બીજીબાજુ શહેરની વસતીમાં પણ મોટો વધારો થયો છે. સામે વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, 2005 પછી ગાંધીનગરમાં વિકાસકાર્યો શરૂ થયાં. 2020 સુધીમાં તો ગાંધીનગર એવું થઈ ગયું કે આકાશમાંથી મકાનના ધાબા, ગલીઓ, રસ્તા દેખાવા લાગ્યાં, જે 2015 પહેલાં નહોતાં દેખાતાં. ત્યારે વિમાનમાંથી ગાઢ વૃક્ષો જ વધારે દેખાતાં હતાં. વરિષ્ઠ વન અધિકારીએ કહ્યું હતું કે અત્યારસુધીમાં વિકાસ થયો અને એને કારણે વૃક્ષો કાપી નાખવા પડ્યા એ પર્યાવરણને મોટામાં મોટું નુકસાન છે અને આ નુકસાન હવે ભરપાઈ કરવામાં આવશે.(file photo)