ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરની તમામ પ્રાથમિક શાળાઓ હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. આથી હવે તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો વહિવટ મ્યુનિ.કોર્પોરેશનને સોંપાશે. અ અંગે મ્યુનિ.કોર્પોરેશને તમામ પ્રાથમિક શાળાઓનો વહિવટ લેવા માટે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરી દીધી છે. અને રાજ્ય સરકાર દ્વારા આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. શાળાઓના મકાનો, પ્રોપર્ટી, અને શિક્ષકો સહિતનો સ્ટાફ મ્યુનિ, હસ્તક મુકાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હવે વિવિધ જવાબદારીઓ સંભાળવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગાંધીનગર શહેર વિસ્તારમાં આવેલી તમામ સરકારી પ્રાથમિક સ્કૂલો પણ પોતાના હસ્તક લેવા માટે પ્રયત્નશીલ છે. આ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનની રચના થયા બાદ શરૂઆતના વર્ષો સુધી મ્યુનિ.ના સત્તાધિશો સફાઇ સિવાયની કોઇ જવાબદારી લેવા તૈયાર ન હતા. પરંતુ હવે શહેરનો વિસ્તાર વધતા અને વેરાની આવકમાં પણ સારોએવો વધારો થતાં જીએમસી સ્વનિર્ભર થવા તરફ પ્રયાણ કરી રહી હોવાથી વિવિધ કામગીરી પોતાના હસ્તક લઇ રહી છે. રાજ્યની ગાંધીનગર સિવાય દરેક મ્યુનિ.કોર્પોરેશન પ્રાથમિક શિક્ષણની કામગીરી સંભાળી રહી છે. પરંતુ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન હસ્તક હાલમાં માત્ર 5 સ્કૂલો છે અને તેમાં પણ માત્ર પ્રિ પ્રાઇમરીની જ જવાબદારી જીએમસી પાસે છે ત્યારે હવે શહેરની તમામ સરકારી સ્કૂલોનું સંચાલન સ્વીકારવા માટે મ્યુનિ.કોર્પોરેશને સામે ચાલીને તૈયારી દર્શાવી છે અને તે માટે સરકારમાં રજૂઆત પણ કરી છે.
જીએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે, હાલમાં જીએમસી 5 જેટલી સ્કૂલોનું સંચાલન કરી રહી છે પરંતુ આગામી દિવસોમાં તમામ સ્કૂલોનું સંચાલન કરવામાં આવશે. આ માટે સરકારના શિક્ષણ વિભાગને શહેર વિસ્તારની સ્કૂલો મ્યુનિ.ને સ્ટાફ અને પગાર સાથે સોંપી દેવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. આ મામલે શિક્ષણ તંત્ર સાથે પરામર્શ પણ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં વધુ સ્કૂલ સાથે વધુ સારી શૈક્ષણિક સુવિધા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે.