Site icon Revoi.in

અમદાવાદમાં ગણેશોત્સવ ઉત્સાહથી ઊજવાશેઃ ગણેશ વિસર્જન માટે 25 કુંડ તૈયાર કરાયાં

Social Share

અમદાવાદઃ શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસમાં ખૂબજ ઘટાડો થયો છે. સાથે સરકારે પણ નિયંત્રણો ઉઠાવી લઈને છૂટછાટો આપી છે. ગણેશોત્સવને પણ કેટલાક નિયમોને આધિન છૂટછાટ આપવામાં આવી છે. ગત વર્ષે કોરોના મહામારીને લીધે  ગણેશોત્સવ ઉજવવાથી વંચિત રહેલા નાગરિકોને આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની શંકા હોવા છતાં ગણેશોત્સવ ઉજવવા મળશે. જેમાં મ્યુનિ.એ પણ શહેરીજનો દ્વારા જાહેર અને ઘરે સ્થાપિત થતાં ગણેશજીની મૂર્તિનાં વિસર્જન માટે રિવરફ્રન્ટ અને તળાવો ખાતે 25 જેટલાં નાનામોટા કુંડ બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા મુજબ શહેરના સાબરમતી રિવરફ્રન્ટનાં પૂર્વ અને પશ્ચિમ કિનારા ઉપર ગણેશ વિસર્જન માટે કુંડ બનાવાય છે, તેમાં પશ્ચિમ કિનારા ઉપર 9 જગ્યાએ તથા રાણીપમાં તળાવ પાસે એક મળી 10 કુંડ બનાવાશે. જ્યારે પૂર્વમાં 8 જગ્યાએ કુંડ બનાવાશે. તદઉપરાંત દક્ષિણમાં પાંચ જગ્યાએ અને ઉત્તરમાં છ જગ્યાએ કુંડ બનાવાશે. ગણેશ ઉત્સવમાં મ્યુનિ. સત્તાધીશો રાજકીય લાભ ખાટવા માટે વિવિધ સુવિધાનાં નામે પોતાની પ્રસિધ્ધિ માટેનાં પ્રયાસ કરતાં થઇ ગયાં છે. મ્યુનિ. સત્તાધીશો પોતાની પ્રસિધ્ધિ માટે નાગરિક સુવિધાનાં નામે ગણેશ વિસર્જન સ્થળે કુંડ, લાઇટ, પાણી, ક્રેઇન વગેરે માટે જોગવાઇ કરવાની સાથે સાથે ગણેશ વિસર્જન સ્થળ તરફ જતાં રોડ ઉપર મોટા સ્ટેજ બનાવી તેનાં ઉપર ધારાસભ્યો, હોદ્દેદારો અને કોર્પોરેટરો નજરે પડે તેમ હાજર રહે તેની પૂરતી તકેદારી રાખી રહ્યાં છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ શહેરમાં નાગરિકો પ્લાસ્ટર ઓફ પેરિસને બદલે કાચી માટીની ગણેશ મૂર્તિ ખરીદવા તરફ વળી ગયાં છે અને આવી મૂર્તિને ઘરે જ વિસર્જન કરીને માટી ગાર્ડનમાં કે કુંડામાં ઠાલવી દેવામાં આવે છે. પીઓપીની મૂર્તિ ઉપર પ્રતિબંધની વાતો કરવા છતાં દર વર્ષે ગુલબાઇ ટેકરા ખાતેથી પીઓપીની મૂર્તિઓનું  વેચાણ થયા કરે છે.