Site icon Revoi.in

અમદાવાદમાં આ વર્ષે પણ સાર્વજનિક પંડાલમાં યોજાતો ગણેશોત્સવ નહીં યોજાય

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ખૂબજ ઘટાડો થયો છે. હવે માત્ર રોજના ચારથી પાંચ કેસ નોંધાય રહ્યા છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે અગમચેતિના પગલાં લઈને જાહેર કાર્યક્રમો પર પાબંદી લગાવી દીધી છે. એટલે સતત બીજા વર્ષે પણ અમદાવાદમાં સાર્વજનિક પંડાલમાં યોજાતો ગણેશોત્સવ નહીં યોજાય. જો કે રાજ્ય સરકારે 4 ફૂટના માટીના ગણપતિનું સ્થાપન કરીને પૂજા – સ્થળ વિસર્જન માટે મંજૂરી આપી છે. પરંતુ તે માત્ર સોસાયટી, ફ્લેટ, પોળ કે શેરીમાં જ કરી શકાશે. જ્યારે પંડાલમાં યોજાતા 600 જેટલા ગણશોત્સવના આયોજકને ચાલુ વર્ષે પોલીસે મંજૂરી આપી નથી કે જાહેરનામું પણ બહાર પાડ્યું નથી.

ગણેશ મહોત્સવ એસોસિએશનના અગ્રણીએ  જણાવ્યું હતું કે, 3 વર્ષ પહેલાં અમદાવાદમાં 600 જેટલા સાર્વજનિક ગણેશ ઉત્સવ યોજાતા હતા. તેમજ સોસાયટીઓ, શેરીઓ, પોળો તેમજ ઘરમાં લોકો અંદાજે 1 થી 1.50 લાખ ગણપતિનું સ્થાપન-વિસર્જન કરાતું હતું. પરંતુ ગત 2 વર્ષથી કોરોનાને કારણે સરકારે ગણેશોત્સવ માટે મંજૂરી આપી ન હતી. જ્યારે ચાલુ વર્ષે રાજ્ય સરકારે 4 ફુટના માટીના ગણપતિનું સ્થાપન કરીને ગણેશોત્સવની મંજૂરી આપી છે. કેટલાંક સાર્વજનિક ગણેશોત્સવ આયોજકોએ પોલીસ પાસે મંજૂરી માગી છે. પરંતુ પોલીસે હજુ સુધી મંજૂરી આપી નથી. તે માટે તેમને કહેવામાં આવ્યું છે કે આ અંગે પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડશે, ત્યારબાદ જ મંજૂરી આપવી કે નહીં તે નક્કી કરાશે. સોસાયટી, શેરી, પોળ તેમજ ફ્લેટમાં 4 ફુટની માટીની ગણપતિની મૂર્તિનું સ્થાપન કરીને ગણેશોત્સવ યોજી શકાશે. જો કે ત્યાં પણ ડાયરો કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. માત્ર સોસાયટીના સભ્યોની હાજરીમાં જ આરતી-દર્શન અને પ્રસાદ વિતરણ કરી શકાશે. તેમાં પણ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું પડશે.

અમદાવાદમાં ગણેશ મહોત્સવના આયોજકો સ્થાનિક પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, મ્યુનિ.કોર્પો તેમજ ટ્રાફિક પોલીસની કચેરીએ ગણેશોત્સવની મંજૂરી માટે ગયા હતા. પરંતુ તેમની પાસે પોલીસ કમિશનર કચેરીમાંથી સત્તાવાર કોઇ પત્ર કે જાહેરનામું આવ્યું નહીં હોવાથી તેમણે ગણેશોત્સવ માટે મંજૂરી આપી નથી. આખરે પોલીસ મંજૂરીના અભાવે સાર્વજનિક ઉત્સવ રદ કરવાની ફરજ પડી છે.