Site icon Revoi.in

વસઈમાં ચંદનના 18 વૃક્ષો કાપીને ચોરી જનારી ચંદનચોર તસ્કરોની ટોળકી પકડાઈ

Social Share

હિંમતનગરઃ ઇડરના વસઈમાં ચંદન ચાર તરખાટ મચાવી રહ્યા હતા. છેલ્લા ત્રણ સપ્તાહમાં 18 જેટલા ચંદનના વૃક્ષો કાપી ચોરી કરી લઇ જવાની પ્રતિદિન ઘટનાઓ બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. થોડા અરસા અગાઉ વસઈમાં ભાગીયા તરીકે રહેતી રાજસ્થાની મહિલાને રાત્રે બારેક વાગ્યે બહાર નીકળવા દરમિયાન વનકર્મીએ અટકાવતાં તેનો જવાબ શંકાસ્પદ લાગતાં એલસીબીને જાણ કરાઇ હતી અને એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી મોડી રાત્રે મહિલાના સંપર્કમાં રહેનારા તમામનું રાજસ્થાન પહોંચી સતત ત્રણ સપ્તાહ સુધી પગેરૂ દબાવ્યું હતું અને રવિવારે મોડી રાત્રે વસઈના એક ખેતરમાં ભાગીયા તરીકે રહેતા મહિલા અને તેના પતિ સહિત ચોરી કરીને એકઠા કરેલા ચંદન લઈ જવા રાજસ્થાનથી આવેલા અન્ય 6 શખ્સોને ઝડપી લેતા ચંદનની તસ્કરીનો પર્દાફાશ થયો હતો હજુ 3 શખ્સો વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું હતું .

સૂત્રોના જણાવ્યા મુજબ ઇડરના વસઈ, નેત્રામલી પંથકમાં છેલ્લા દોઢેક માસથી ચંદન ચોરોએ તરખાટ મચાવતા વનવિભાગ અને એલસીબી હરકતમાં આવી હતી. પીઆઈ એમડી ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે પી.રાવ અને 10 પોલીસકર્મીની ટીમ બનાવી ચોરીના સ્થળોની સતત મુલાકાતો કરી સીસીટીવી મેળવ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરતાં વસઈના દિલીપભાઈ કોદરભાઈ દેસાઈના ખેતરની ઓરડીમાં ભાગીયા તરીકે રહેતા સોમાજી નાનજી બેરાજી સુવેરા (મૂળ રહે. આંબા તા.ઝાડોલ જી.ઉદેપુર)ની ઓરડી પર રાજસ્થાની લહેકામાં હિન્દીમાં વાતચીત કરતાં શખસો અવારનવાર મોડી સાંજે આવી વહેલી સવારે જતા રહેતા હોવાની માહિતી મળતાં સોમાજી અને તેની પત્ની વર્ષાબેનની હિલચાલ પર સતત નજર રખાઇ હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે ચોરીનું એપીસેન્ટર નક્કી થયા બાદ રવિવારે મોડી સાંજે બાતમી મળી હતી કે દિલીપભાઈ દેસાઈની ખેતરની ઓરડીમાં ત્રણ બાઇક લઇને કેટલાક લોકો આવ્યા છે. જેને પગલે એલસીબીએ રેડ કરી મહિલા સહિત કુલ 8 જણાને રૂ. 7,14,000 ના 119 કિ.ગ્રા. ચંદન સાથે ઝડપી પાડ્યા હતા. કૂખ્યાત ચંદન ચોર ગેંગે ઇડર તાલુકાના કુલ 21 ગુનાની કબૂલાત કરી છે.