Site icon Revoi.in

ગુજરાતમાં લૂંટ અને ચોરીના 66 જેટલા બનાવોમાં સંડોવાયેલી ચડ્ડી-બનિયનધારી ગેન્ગ પકડાઈ

Social Share

રાજકોટઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક લૂંટ અને ચોરીમાં સંડોવાયેલી ખૂંખાર ચડી-બનિયનધારી ગેન્ગને પકડવામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે, છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકીને ચોરી લૂંટને અંજામ આપતી આ ગેંગના 12  શખસોને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને 68 જેટલી લૂંટ-ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે.

શહેર પોલીસને પડકાર ફેંકી રહેલી લૂંટારૂ ગેન્ગને પકડવા માટે પોલીસ કમિશનરે આદેશ આપ્યા બાદ ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ ડી.સી.સાકરિયા, કે.ડી.પટેલ, એન.ડી.ડામોર, એ.એસ.ગરચર સહિતના સ્ટાફે ગેંગને પકડવા માટે ઠેર-ઠેર દોડધામ શરૂ કરી હતી. શહેરમાં છેલ્લા બે મહિનાથી દર ત્રીજા દિવસે ચડ્ડી-બનીયાનધારી ટોળકી દ્વારા લૂંટ અને ચોરી થઈ રહી હોવાથી આ ગેંગને પકડવા માટે પોલીસે રાત-દિવસ એક કર્યા હતા જેમાં સફળતા સાંપડી હતી. 12 શખસોને દબોચી લેવાયા છે. જો કે હજુ આ ગેંગના આઠ શખસો ફરાર હોય તેમને ઝડપથી પકડી પાડવા તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યાં લૂંટ-ચોરીનો બનાવ બન્યો હોય ત્યાંના સીસીટીવી કેમેરાનો ઝીણવટભર્યો અભ્યાસ કરી ગેંગના આરોપીઓની એમઓ (મોડેસ ઓપરેન્ડી)નો તાગ મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ આજુબાજુના જિલ્લાઓમાં થયેલી લૂંટ-ચોરીની માહિતી એકઠી કરી ટેક્નીકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ગુનાનો ભેદ ઉકેલવા તેમજ આખા ગુજરાતમાં અગાઉ પકડાયેલી ગેંગના સભ્યોનો ઈ-ગુજકોપ એપ્લીકેશનમાં ગુનાઈત ઈતિહાસ ચેક કરી આરોપીઓ હાલ શુ કરી રહ્યા છે, તેની માહિતી મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમોને સફળતા મળી હોય તેવી રીતે લૂંટ-ચોરીનો મુખ્ય સૂત્રધાર લાલો ઉર્ફે સુભાષ ખુમસીંગભાઈ રનજીભાઈ પલાસ (રહે.નવો 150 ફૂટ રિંગરોડ, એસઆરપી કેમ્પ પાસે, મુળ દાહોદ) મળી જતાં તેની અટકાયત કરીને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ શરૂ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે ગેંગમાં સામેલ રામસીંગ ઉર્ફે રાયસંગ મડીયા ઉર્ફે મળીયાભાઈ મોહનીયા, છપ્પર ઉર્ફે છપરીયા હરુભાઈ પલાસ, રાકેશ રાળીયાભાઈ પલાસ, રાજુ સવસીંગ બારીયા, શૈલેષ ઉર્ફે શૈલો રતનસિંગ ઉર્ફે રતના કટારા, કાજુ માવસીંગ પલાસ, શૈલેષ જવસીંગભાઈ ડામોર, મનિષ ઉર્ફે મનેષ રાવસિંગ ભાભોર, અપીલ અમરસીંગ પલાસ, રાહુલ સુરેશભાઈ નીનામા અને મીથુન વરસીંગભાઈ મોહનીયાને દબોચી લઈ આ લોકોએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કરેલી 68 લૂંટ-ચોરીના બનાવોનો ભેદ ઉકેલી નાખ્યો છે.