દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે રસી જ એકમાત્ર ઉપાય છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકો કોવિડને નાથવા માટે બીજા અનેક પરિક્ષણો કરી રહ્યાં છે. દરમિયાન પવિત્ર ગંગા નદીનું પાણી કોવિડની સારવારમાં અસરકારક સાબિત થતું હોવાનો બાસરસ હિન્દુ યુનિવર્સિટીના યુરોલોજીસ્ટે દાવો કર્યો છે. ગંગાના પાણીમાં બેકટેરિયાનો નાશ કરનારા તત્વો હોવાથી કોવિડની સારવારમાં અસરકારક હોવાનો દાવો કરાયો છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ) ના ન્યુરોલોજીસ્ટ વી એન મિશ્રા અને ડો અભિષેક પાઠકે દાવો કર્યો છે કે ગંગાનું પાણી કોવિડ -19 ની સારવારમાં અસરકારક સાબિત થઈ શકે છે. બંને નિષ્ણાતોએ કહ્યું કે, હિમાલયની ગંગોત્રીમાંથી નીકળતી ગંગામાં ‘બેક્ટેરિયોફેજ’ ની ભરપૂર હાજરી છે. બેક્ટેરિયોફેજ” શબ્દનો અર્થ “બેક્ટેરિયાનો નાશ કરનાર” થાય છે. ગંગા નદીમાં જોવા મળતા બેક્ટેરિયોફેજ બેક્ટેરિયા અને જીવાણુઓનો નાશ કરે છે, જેનાથી ગંગા નદીના પાણીની શુદ્ધતા જળવાઈ રહે છે.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગંગાના પાણીમાં લગભગ 1300 પ્રકારના બેક્ટેરિયોફેજની પુષ્ટિ થઈ છે, જે અન્ય નદીઓ કરતા વધારે છે.
અલ્હાબાદ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ અરુણ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે જળ શક્તિ મંત્રાલય હેઠળ જળ સંસાધન વિભાગના નેશનલ મિશન ફોર ક્લીન ગંગાએ ગંગાના પાણીના ઉપયોગ અંગે ક્લિનિકલ અભ્યાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ગંગાના પાણી સાથે કોવિડ -19 ની સારવાર અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ દાખલ કરી છે, જેના આધારે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગને નોટિસ આપવામાં આવી છે.