અમદાવાદઃ લેકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો પર 5 લાખની લીડ સાથે ભવ્ય જીત મેળવવાનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે બનાસકાંઠાની બેઠક પર ગનીબેન ઠાકોરે ભવ્ય જીત મેળવીને ભાજપનુ ક્લીન સ્વીપનું સપનુ રગદોળ્યું છે. ભાજપનો પડકાર જીલીને એકલા હાથે ઝઝૂમીને ગેનીબેને જીત મેળવી તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરનું સન્માન કરાશે. 13 જુનના રોજ બપોરે 2.00 કલાકે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભાની ચુંટણી મજબૂતાઇથી લડનારા કોંગ્રેસના ઉમેદવારોનું અભિવાદન કરાશે. જેમાં એકમાત્ર જીત મેળવનારા ગેનીબેન ઠાકોરનું સન્માન કરવામા આવશે. ગેનીબેન ઠાકોર ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં સન્માન અને અભિવાદન સમારોહ યોજાશે. જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે. આ સમારોહમાં લોકસભાની ચૂંટણીમાં ગનીબેન ઉપરાંત સારો દેખાવ કરનારા ઉમેદવારોનું પણ સન્માન કરાશે.
બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોરે જીત મેળવ્યા બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની ખામીઓ પણ કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર કામગીરીમાં ભાજપની સરખામણીએ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ હતો. જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ ઉપર પોતાના સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવી પડે છે. તેના બદલે જો પાર્ટી પેરેલર ચૂંટણી લડતી થશે, તો કોંગ્રેસ મજબૂતાઈ ચૂંટણી મેદાનમાં જઈને જન આશીર્વાદ મેળવતી થશે. એની શરૂઆત બનાસકાંઠાથી થઈ છે. બનાસકાંઠા કોંગ્રેસનો કાયમી ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાની મોટી સિસ્ટમનો અભાવ હોય. ક્યાંક પક્ષ વિરોધી કામો જે કરતા હોય એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈ સ્થાન ન હોવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, જે પક્ષનું ખોટું કરતા હોય નુકસાન કરતા હોય જો એને સજા ન કરો તો બીજા એને જોઈને પ્રેરિત થતા હોય છે અને પાર્ટીને નુકશાન થતું હોય છે. હું પાર્ટીને સલાહ આપવા સક્ષમ નથી કે સલાહ આપવાનો મારો કોઈ અધિકાર નથી પણ જે લોકો મારા નીચે કામ કરે છે એ લોકોને મેં હંમેશા મનોબળ પૂરું પાડ્યું છે. હું સિસ્ટમમાં કામ કરૂં છું. પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું.