Site icon Revoi.in

બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાતા ગનીબેન ઠાકોરે વાવના ધારાસભ્યપદેથી આપ્યુ રાજીનામું

Social Share

ગાંધીનગરઃ  લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી આજે  ગુરૂવારે ગેનીબેન ઠાકોરે  વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતુ. ગનીબેન ઠાકોરે રાજીનામું આપતા ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું છે. વાવની બેઠક ખાલી થતાં 6 મહિનામાં પેટાચૂંટણી યોજાશે.

લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પરથી ચૂંટાયેલા ગનીબેન ઠાકોરે આજે વાવના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યુ હતુ. ગનીબેન ઠાકોરે પોતાના સમર્થકો સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળીને રાજીનામાંનો પત્ર આપ્યો હતો. વાવ બેઠકના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે મીડિયાને  જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકે બે ટર્મ મને મોકો આપ્યો એ બદલ મારા મતદારોનો આભાર માનું છું.  રાજ્યમાં એકમાત્ર કોંગ્રેસના સાંસદ તરીકે મને આશીર્વાદ આપીને લોકોનો અવાજ દિલ્હી સુધી પહોંચડવા મને મોકો આપ્યો એ બદલ કોંગ્રેસ પાર્ટીનો પણ આભાર માનુ છું. લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એકબીજા પર આક્ષેપો થતા હોય છે, ત્યાર બાદ લોકોના હિતમાં કામ કરવાનું હોય છે. વિધાનસભા હોય કે લોકસભા હોય, ગુજરાતના હિતની વાત હોય કે દેશની વાત હોય, ત્યારે સર્વપક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળી કામ કરીશું.

ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણી જીત્યાં બાદ પહેલીવાર અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યાં હતાં. જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ બનાસની બેન ગેનીબેનના નારા સાથે સ્વાગત કર્યું હતું. 2009 બાદ પહેલીવાર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર લોકસભા ચૂંટણી જીત્યો છે. ગેનીબેન ઠાકોર 2022માં વાવ બેઠકથી સતત બીજી વખત ધારાસભ્ય બન્યાં હતાં. બનાસકાંઠામાં તેમની કોંગ્રેસનેતા કરતાં પણ વ્યક્તિગત ઓળખ વધુ છે. જ્યારે ભાજપે તદ્દન નવા ચહેરા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ભાજપે રેખાબેનને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ ચૌધરીની પૌત્રી તરીકે રજૂ કર્યાં હતાં. એટલે પશુપાલન સાથે જોડાયેલા મતદારો પર ભાજપની ખાસ નજર હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા એ પહેલાં જ ‘બનાસની બેન ગેનીબેન’ સૂત્રવાળા પોસ્ટર સોશિયલ મીડિયા પર ફરતાં થઈ ચૂક્યાં હતાં. ટૂંકમાં, ગેનીબેને લોકો સાથે લાગણીસભર સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.