Site icon Revoi.in

જસદણના બાખલવડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, એકનું ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે અભિયાન શરુ કર્યું છે. દરમિયાન રાજ્યમાં ફરી એકવાર ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. સૌરાષ્ટ્રના જસદણના બાખલવડમાં ગાંજાની ખેતી કરનાર શખ્સને ઝડપી લઈને પોલીસે ગાંજના છોડનો 3.400 કિલો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયક હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાખવડ ગામમાં ધીરૂભાઈ કેશુભાઈ પલાળીયા નામના શખ્સે પોતાના ખેતરમાં ગેરકાયદે રીતે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યુ હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ દરમિયાન તેમના ખેતરમાંથી ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના વાવેતરના છોડ ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં ખેતરમાં ઉગાડેલો ગાંજાના છોડનો 3.400 કિલો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત 34 હજાર રૂપિયા જેટલી થાય છે. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરીને એનડીપીએસ એક્ટ મુજબનો ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નશીલા દ્રવ્યોની હેરાફેરીને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરુ કર્યું છે. જેના પગલે અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ડ્રગ્સનું વેચાણ કરનારાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ નશાના કાળા કારોબારને નાથવા માટે અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે.