પાલનપુરઃ ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ છે. હવે તો ગુજરાતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ગાંજાનું વાવેતર થવા લાગ્યુ છે. ત્યારે પોલીસ પણ એલર્ટ બની છે. બનાસકાંઠાના થરા તાલુકાના વડા ગામની સીમમાંથી પોલીસે સવા કરોડની કિંમતના ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. ખેડૂતો ખેતરમાં કપાસ અને એરંડાની વચ્ચે વાવેલા ગાંજાના 1700થી વધુ છોડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે બાતમીના આધારે તાલુકાના વડા ગામ વિસ્તારની સીમમાં બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર જોવા મળ્યું હતું. જેથી એસઓજીએ ગાંજાના છોડ 1,776 જેટલા કબજે કરી જેનું વજન 1259 કિલોની કિંમત એક કરોડ 25 લાખ 92,500 નો મુદ્દામાલ કબજે કરી ખેતર માલિક છનુભા ઉર્ફ વીરસંઘ ઘુડસંઘ વાઘેલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે જિલ્લા એસઓજી ટીમ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વડા ગામના છનુભા વાઘેલાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલું છે. જે બાબતે એસઓજી એ અલગ અલગ ટીમો બનાવીને એનડીપીએસ જે ગાઈડલાઈન છે, તે મુજબ છનુભા વાઘેલાના ખેતરમાં રેડ કરતા છનુભા હાજર મળી આવ્યા નહતા. જેમના ખેતરમાં કપાસ અને એરંડાની વચ્ચે ગાંજાના અલગ અલગ છોડનું વાવેતર કરેલું હતું. જે ગાંજાના છોડને એફએસએલ દ્વારા તપાસ કરાવતા તે ગાંજાના છોડ સાબિત થયા હતા ખેતરમાંથી મળી આવેલ 1776 જેટલા ગાંજાના છોડ જેનું વજન 1259 કિલો થયેલું હતું અને જેની ટોટલ કિંમત 1 કરોડ 25 લાખ 92 હાજર 500 રૂપિયા થઈ હતી જેના વિરુદ્ધમાં છનુભા પર એસઓજી પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.