ગાંધીધામ : કચ્છના આર્થિક પાટનગર ગણાતાં ગાંધીધામમાં સફાઇની અપૂરતી વ્યવસ્થાને કારણે શહેરની હાલત ખૂબ ખરાબ થઇ રહી છે. રોડ સાઇડની જમીનો, ખુલ્લા, ખાનગી-જાહેર પ્લોટોમાં ઊગી નીકળેલા ગાંડો બાવળ શહેરને બદસૂરત બનાવી રહ્યો છે. નગરપાલિકા પાસે અલાયદો સેનિટેશન વિભાગ છે પરંતુ ઘનકચરા નિકાલની કામગીરી કોન્ટ્રેકટર ઉપર છોડી દેવાતાં જાણે હવે બીજું કંઇ કામ ન હોય તેમ શહેરમાં ખૂણે-ખાંચરે કચરાના થતા ઢગ, ખુલ્લા પ્લોટો, રોડ સાઇડની જમીનોમાં ઉગી નીકળતો ગાંડોબાવળ નડતરરૂપ બની ગયો છે.
ગાંધીધામ પાલિકાએ ચોમાસું વહેલું બેસતાં વરસાદી નાળાંની સફાઇ હવે ઝડપથી પૂરી કરવા ધ્યાન લગાવ્યું છે પરંતુ તે સિવાયની સાફ સફાઇ તરફ હજુ ધ્યાન અપાતું નથી. વધારામાં ઠેર ઠેર પાણીની લાઇનો બેસાડવા ખોદાયેલા ખાડા પણ ભારે મુશ્કેલી સર્જી રહ્યા છે. પ્રથમ વરસાદે પોલ ખોલતાં ઉતાવળે કાળી માટી ખાડાઓમાં નાખી કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ઠેર ઠેર ઉગી ગયેલા બાવળોથી સર્જાતી સમસ્યા તરફ કોઇનું ધ્યાન નથી. આ બાવળના જંગલમાં ભરાઇ જતો પ્લાસ્ટિક સહિતનો કચરો કોઇ કાઢે નહીં તેથી શહેરની શોભા આ દૃશ્ય બગાડી રહ્યું છે. શહેરના અનેક મહત્ત્વના વિસ્તારો, આદિપુરના અનેક આંતરિક માર્ગો બાવળની ઝાડીથી ઘેરાઇ ગયાં છે. અસામાજિક પ્રવૃત્તિઓ પણ આ ઝાડીઓમાં જ વિકસે છે. નગરપાલિકા તથા એસ.આર.સી. તેમજ ડી.પી.ટી.એ આ અંગે કડક હાથે કામ લેવું જોઇએ તેવી લોકોની માંગણી છે.