Site icon Revoi.in

ગાંધીનગરમાં બગીચાના ટેન્ડરો ઉંચા ભાવે ભરાતા મ્યુનિ.ના સત્તાધિશો અવઢવમાં

Social Share

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં બગીચા બનાવવા અને એના રિનેવેશન માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જેમાં એજન્સીઓ દ્વારા નિયત કરતા 23થી 24 ટકા ઊંચા ભાવે ટેન્ડર ભરાયા હતા. એટલે ચાલું ટેન્ડરમાં 5 કરોડ રૂપિયા સુધીના વધારા સહિતની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. જો સ્ટેન્ડિંગ કમિટી આ દરખાસ્તોને મંજૂરી આપશે તો એક જ બેઠકમાં આ એજન્સીને મ્યુનિ.ના અંદાજોની સરખામણીએ 11 કરોડ રૂપિયાનો વધારાનો ફાયદો થઇ જશે. અગાઉની સમિતિ ઉંચા ભાવોના ટેન્ડર નામંજૂર કરી રીટેન્ડરીંગનો આગ્રહ રાખતી હતી જ્યારે નવી સમિતિ આ ટેન્ડરોને મંજૂરી આપે છે કે રીટેન્ડરીંગ કરે છે તેનો બે દિવસ બાદ એટલે કે શુક્રવારે મળનારી મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં નવા વિસ્તારો મર્જ કરવામાં આવ્યા છે. તેથી નવા વિસ્તારોમાં મ્યુનિ.દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે.  જેમાં કુડાસણ ગામના તળાવનું ડેવલપમેન્ટ અને ગાર્ડન બનાવવાના કામનું ટેન્ડર પણ ઉંચુ ભરાયું છે. મ્યુનિ.કોર્પોરેશનના 13.63 કરોડ રૂપિયાના ખર્ચના અંદાજ સામે એક એજન્સીનું ટેન્ડર 7.56 ટકા એટલે કે 14.66 કરોડ રૂપિયાનું ભરાઇ આવ્યું છે. આ ટેન્ડરને મંજૂરી આપવાની દરખાસ્ત પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઇ છે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી વિવિધ ચીજવસ્તુની ખરીદી કરવામાં આવતી હોય છે જે સોસાયટીઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે. આગામી નવરાત્રીના તહેવારોને અનુલક્ષીને સંગીતના સાધનોની ડિમાન્ડ વધી છે ત્યારે નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલની એજન્સી પાસેથી જ મંજૂર થયેલા ભાવે સંગીતના સાધનોનો સેટ ખરીદવાની દરખાસ્ત પણ સ્થાયી સમિતિમાં રજૂ થઇ છે.