ભાવગનરમાં પણ કોરોના સંક્રમણને પગલે ગાર્ડન અને સ્વીમીંગ પુલ બંધ કરાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ચારેય શહેરોમાં ગાર્ડન સહિતની જગ્યાઓ બંધ કરવામાં આવી છે. હવે ભાવનગરમાં પણ કોરોનાના સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગાર્ડન અને સ્વીમીંગ પુલ બંધ કરવાના આદેશ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરમાં કોરોનાના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ સંક્રમણ અટકાવવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત માસ્ક અને સામાજીક અંતર સહિતની સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ ભાવનગર શહેરની કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
દરમિયાન ભાવનગરમાં કોરોના સંક્રમણને અટકાવવા મનપા કમિશ્નર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મનપા કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, ભાવનગર શહેરમાં કોરોના સંક્રમણ વધતા શહેરમાં આવેલા તમામ સ્વીમીંગ પુલ તેમજ બાગ બગીચા અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ ભાવનગર શહેરમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા પણ મનપા દ્વારા લોકોના ટેસ્ટીંગ કરવાનું શરુ કરવામાં આવ્યું છે.