અમદાવાદઃ શહેરના એસ.જી હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગઢડાના એસપી સ્વામીની પુરપાટ દોડતી કાર થલતેજ ડિવાઈડર કૂદાવીને થલતેજ ટ્રાફિક બૂથમાં ઘૂસી ગઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહતી, પોલીસ દ્વારા આ મામલે એસપી સ્વામી સામે ગુનો નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે થોડા સમયમાં સ્વામીને જામીન પર છોડવામાં આવ્યા હતા.
ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીએ પુરપાટ ગાડી ચલાવીને થલતેજ ટ્રાફિક બુથને અથડાવી હતી. જેમાં ટ્રાફિક બુથ તુટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ટ્રાફિક પોલીસે કાર ચલાવનાર એસપી સ્વામી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે બીજી તરફ એસજી હાઇવે ઉપર થલતેજ અંડરબ્રિજ ખાતે ટ્રક બંધ પડી જતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઇ હતી. અંડરબ્રિજમાં સળિયા ભરેલી ટ્રક બંધ પડતા એક કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી હતી.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી હતી કે, ગઢડાના એસપી સ્વામી બુધવારે પોતાની ઈનોવા કાર લઈને એસજી હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન થલતેજ નજીક તેમણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેમની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ મેટ્રોના થાંભલા નજીક બનાવેલા ટ્રાફિક બૂથ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જો કે સદ્દનસીબે આ સમયે ટ્રાફિક બૂથમાં કોઈ કર્મચારી હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી હતી. જો કે ટ્રાફિક બૂથને તેમજ કારના આગળના ભાગને નુક્સાન પહોંચ્યું હતુ.
આ મામલે ટ્રાફિક પોલીસે એસપી સ્વામી વિરુદ્ધ IPCની 279, 427 તેમજ મોટર વ્હીકલ એક્ટની 177, 184 અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ 3-7 હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. જો કે બપોર બાદ તેમને જામીન પર મુક્ત રવામાં આવ્યા હતા.