કવાંટમાં ગેરનો મેળોઃ પરંપરાગત વસ્ત્રોમાં સજજ આદિવાસી સમાજ પરંપરાગત લોકવાદ્યોના તાલે ઝૂમી ઉઠ્યાં
અમદાવાદઃ છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે ભાતીગળ લોકમેળાઓ યોજાય છે જે પૈકી કવાંટ ખાતે પરંપરાગત વિશ્વવિખ્યાત ગેરનો મેળો યોજાયો હતો. શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીંચ્છની ટોપી પહેરી લયબદ્ધ નૃત્યુ કરતા ઘેરિયાઓ મેળા દરમિયાના સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્સવપ્રિય આદિવાસી સમાજમાં દિવાળી કરતા પણ હોળીનું વિશેષ મહત્વ છે. હોળીના પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર પારંપરિક લોકમેળાઓનું આયોજન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે ગેરના મેળાનું આયોજન કરવામાં આવે છે. આજે તા. 10મી, માર્ચના રોજ કવાંટ ખાતે પારંપરિક ગેરનો મેળો યોજવામાં આવ્યો હતો. માત્ર છોટાઉદેપુર જિલ્લામાંથી જ નહીં પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા દેશના અન્ય ભાગોમાંથી તથા વિદેશી સહેલાણીઓ પણ મેળોની મોજ માણવા મેળામાં મહાલતા જોવા મળ્યા હતા.
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મેળા દરમિયાન કોઇળ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાક ચૌબંધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળામાં કોઇ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પુરતી કાળજી લેવામાં આવી હતી. યાતાયાત નિયંત્રણ સહિત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખડેપગે ફરજ બજાવવામાં આવી હતી. કવાંટ ખાતે યોજાયેલા ગેરના મેળા દરમિયાન ગેરોએ લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જાત જાતની વેશભૂષામાં સજજ ગેરિયાઓ દ્વારા સમગ્ર કવાંટ નગરમાં ગેરિયા નૃત્યુ કરી ઘેર ઉઘરાવી હતી. આ ઘેરિયા નૃત્યુને માણવા માટે સમગ્ર દેશ અને વિદેશી સહેલાણીઓ પણ મેળામાં ઉમટી પડ્યા હતા.
ગેરના મેળા અંગે વાત કરતા યુવા અગ્રણી મુકેશભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, પોતાના પરિવાર, સમાજના કલ્યાણ તથા ખેતી અને પશુપાલન માટે અહીંના આદિવાસી માનતા માને છે જેને પુરી કરવા માટે ઘેરૈયા કે બુઢિયા બનતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે ગેરનો મેળો ભરાય છે. રાણી કાજલ, કાલિકા માતા અને અન્ય પ્રકૃતિના દેવોને માનતા આદિવાસી પોતાની માનતા પુરી કરવા માટે શરીરે સફેદ ટપકા કરી માથે મોરપીચ્છનો મુગટ ધારણ કરી 50થી વધુની ટુકડીમાં લોકવાદ્યના તાલે તાલબદ્ધ નૃત્યુ કરે છે. ઘરે ઘરે ફરી નૃત્યુ કરતા આ ઘૈરેયાઓને ગામલોકો દ્વારા અનાજ અને નાણા બક્ષિસ સ્વરૂપે આપવામાં આવે છે. આ ગેરના મેળાને માણવા માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાંથી તેમજ વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે એમ જણાવી હતું.