અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં મોટા ભાગની નદીઓ અને તળાવોના તળિયા દેખાતા હોય છે. પરંતુ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા પ્રવાસન સ્થળ એવા ગરુડેશ્વરનો વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે. આ દ્રશ્ય જોઈને પ્રવાસીઓમાં પણ ખુશી ફેલાઈ છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ચાલુ વર્ષે સારા વરસાદને પગલે નવા પાણીની જંગમ આવક થઈ હતી. હાલ પણ નર્મદા ડેમમાં લગભગ 3158 મિલ્યન ક્યુબિક પાણીનો જથ્થો છે. જેથી કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જળાશયોમાં આગામી દિવસોમાં પાણી છોડવામાં આવશે. એટલું જ નહીં ઉનાળુ પાક લેતા ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળવાની આશા છે. ચોમાસામાં અનેક જળાશયો છલકાય છે, પરંતુ હાલ ઉનાળામાં ગરુડેશ્વરમાં આવેલો વિયર ડેમ છલકાયો છે. ઉપરવાસમાં થી 36,270 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે એટલે પાવરહાઉસ દ્વારા 38,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. નર્મદા નદીમાં વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર નો વિયર ડેમ કમ કોઝવે ફરી ઓવરફ્લો થયો છે. આ નજારો થઈને રજાઓ માણવા આવેલા પ્રવાસીઓમાં આશ્રય ચકિત થયા હતા.
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો એવો વરસાદ વરસતા મોટાભાગના જળાશયો છલકાયાં હતા. હાલ કેટલાક જળાશયોમાં પાણીનો જથ્થો ઘટ્યો છે. ચાલુ વર્ષે ઉનાળાના દિવસોમાં પાણીની સમસ્યા સર્જાવવાની શકયતાઓ નહીવત છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હાલ પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે. જેથી ઉનાળામાં પ્રજાને પીવાનું તથા ખેડૂતોને સિંચાઈ માટે પુરતુ પાણી મળવાની આશા છે.