અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ગેસનો બાટલો ફાટ્યો, 3 વ્યક્તિઓ ઘાયલ
અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર ગેસનો બાટલો ફાટવાની ઘટના સામે આવી છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ઘંટી બસ સ્ટેન્ડ પાસે આવેલા એક મકાનમાં બાટલો ફાટ્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં 3 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ગેસનો બાટલો લિકેજ થતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરાઈવાડી વિસ્તારમાં એક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યા બાદ આગ લાગી હતી. સિલિન્ડર લીકેજ થતા આ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં મકાનની એક દીવાલ તૂટી તેમજ મકાનમાં તિરાડો પડી ગઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં જયવીરભાઈ, સીનોદભાઈ અને એક સગીરને ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. તેમજ આ દૂર્ઘટના કેવી સર્જાઈ તે જાણવા માટે તપાસ આરંભી હતી. આ ઘરમાં રહેતો પરિવાર આજે જ બહાર ગામથી એક મહિના બાદ પરત ફર્યો હતો. તેમજ પરિચીત પાસેથી ગેસનો બાટલો લીધો હતો.
(PHOTO-FILE)