- ઉત્તર પ્રદેશના ગોંડામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની
- આ બ્લાસ્ટમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા
- બ્લાસ્ટમાં બે ઘર ધરાશયી
લખનૌઃ- ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં વિતેલી રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી, જેના કારણે સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં સાત લોકો ઘાયલ થયાના સમાચાર પણ મળી રહ્યા છે. ગેસ સિલેન્ડરનો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે બે મકાનો પણ ધરાશાયી થયા હતા. કાટમાળ નીચે ફસાયેલા એક વ્યક્તિને શોધવા માટે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે મકાનમાં બ્લાસ્ટ થયો તે ઘર નૂરુલ હસનનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ બ્લાસ્ટ થવાની ઘટના ઉત્તર પ્રદેશના ગોંડાના ટીકરી ગામની છે જ્યા ગઈકાલે રાત્રે એક કુટુંબ રસોઇ કરી રહ્યો હતો ત્યારે બ્લાસ્ટની ઘટના બની હતી. એકબીજાને અડીને આવેલા મકાનો ધરાશાયી થયા બાદમાં 15 લોકો કાટમાળમાં ફસાયા હતા, જેમાંથી સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં.
આ સમગ્ર ઘટના અંગે પોલીસ અધિક્ષક સંતોષકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, અમને સિલિન્ડર વિસ્ફોટ અંગેનો ફોન આવ્યો હતો જેના કારણે ઘરની છત ધરાશાયી થઈ હતી. પોલીસ દળ અને સ્થાનિક લોકોની મદદથી અમે બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમાંથી સાત લોકોને મૃત લાવવામાં આવ્યા છે અને સાત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે,ભોગ બનેલા લોકોમાં બે પુરુષો, બે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. બ્લાસ્ટ સાઇટના વીડિયોમાં કાટમાળનો મોટો જથ્થો દેખાય રહ્યો છે. પોલીસ અને સ્થાનિક લોકો ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા સ્થળ પર હાજર છે. બુલડોઝર પણ કાટમાળ સાફ કરવા માટે સ્થળ પર કાર્.યરત કરવામાં આવ્યું હતું