અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગેસ ગીઝરને કારણે આગ ફાટી નિકળતા ઘર-વખરી બળીને ખાક થઈ ગઈ હતી. આ બનાવમાં ઘરમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યો દાઝી ગયા હતા. આગની જાણ કરાતા ફાયરબ્રિગેડના ફાયટરો દોડી આવ્યા હતા. પાણીનો મારો ચલાવીને તેમજ સળગતા ઘરમાંથી ગેસના ભરેલા સિલિન્ડરો બહાર કાઢીને આગને કાબુમાં લીધી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સરખેજ વિસ્તારમાં શીતળા માતાના મંદિર પાછળ નાયકના મઢમાં આવેલા એક મકાનમાં ગેસના ગીઝરમાં આગ લાગી હતી. જેના કારણે સમગ્ર આગ ઘરમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા 3થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં લાગેલી આગમાં પાંચથી સાત લોકો દાઝી ગયા હતા, જેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તમામને નાની-મોટી ઇજાઓ થઈ હતી. કોઈ ગંભીર હોય તેવું હાલમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું નથી. આગ લાગવાના કારણે સમગ્ર ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુરૂવારે સવારે શહેરના સરખેજ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની પાછળ શીતળા માતાનું મંદિર આવેલું છે. જેમાં નાયકનો મઢ નામની શેરીમાં એક મકાન આવેલું છે. મકાનમાં ગેસનું ગીઝર ચાલુ હતું, તે ગીઝરમાં અચાનક ભડકો થતા આગ લાગી હતી. આગના કારણે સમગ્ર ઘરમાં ધીમે ધીમે આગ પ્રસરી ગઈ હતી. આગ લાગવાના કારણે ઘરમાં હાજર તમામ લોકોને આગની જાળ લાગી હતી. જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો, તેમજ ગેસના બાટલાઓને બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં નાની-મોટી ઇજાઓ થઈ છે.