Site icon Revoi.in

ઊંઝા-મહેસાણા હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં ગેસ લીકેજ થયો

Social Share

મહેસાણાઃ પાલનપુર- મહેસાણા હાઇવે પર મક્તુપુરાના પાટિયા પાસે રાત્રે એક ગેસ ભરેલું ટેન્કર પલટી મારતાં ગેસ લીકેજ થયો હતો.. રાત્રી દરમિયાન હાઇવે પર એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું.  જેના કારણે ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થતા અફરા તફરી મચી હતી.

આ બનાવની જાણવા મળેલી વિગતો મુજબ મહેસાણા પાલનપુર હાઇવે પર આવેલા મકતુપુરના પાટિયા પાસે રાત્રી દરમિયાન પાલનપુરથી અમદાવાદ જતું ટેન્કર એકાએક પલટી મારી જતા તેમાં ભરેલો ઝેરી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થતા તંત્ર દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના ગ્રામજનો પણ ચિંતતી બન્યા હતા. હાલમાં ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ આસપાસના રહીશોને દૂર રહેવાની પણ તંત્રએ સૂચના આપી હતી. જોકે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ ગેસ લીકેજને અટકાવી દીધો હતો. અને ક્રેઈનની મદદથી ટેન્કરને સીધુ કરીને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ અકસ્માતમાં રાત્રે ટેન્કરચાલકને ઝોકું આવી જતાં ટેન્કર પલટી ખાઈ ગયું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. પોલીસે ટેન્કરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.