- સુરતમાં નકલી કસ્ટમ અધિકારી પકડાતા તેનું વધુ કૌભાંડ પ્રકાશમાં આવ્યું,
- ખાનગી પેટ્રોલ પંપના સંચાલકે પોલીસમાં ફરિયાદ નોંધાવી,
- મૂળ બિહારનો વતની એવો આરોપી વાક્છટામાં ભલભલાને ઈમ્પ્રેસ કરી શકે છે
સુરતઃ ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમનકલી ચિજ વસ્તુઓની જેમ નકલી કચેરીઓ, નકલી ટોલનાકા, નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીને પકડી પાડ્યો હતો. આ નકલી અધિકારીનો સ્વાંગ રચીને છેતરપિંડી કરતા આરોપી હિમાંશુ રાયે હજીરા ખાતે સેલ ટેક્સ ઓફિસર હોવાની ઓળખ આપી ઉધારમાં 3.54 લાખનું ડીઝલ પુરાવી છેતરપિંડી કરી હતી આ આરોપી વિરુદ્ધ કીમ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમર અધિકારી લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતો હોવાની એક ફરિયાદ અઠવાલાઈન પોલીસ મથકમાં નોંધાઈ હતી. મળેલી ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરતના બોમ્બે માર્કેટ, વરાછા ખાતેથી જાહેરમાં રોડ પરથી ઓલપાડમાં રહેતા મૂળ બિહારના વતની 25 વર્ષીય આરોપી હિમાંશુકુમાર રમેશભાઈ રાયને પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી. આ આરોપી વાકછટાંમાં માહેર છે, અધિકારીનો સ્વાંગ રચીને ભલભલાને શીશામાં ઉતારી દેતો હોય છે. આ આરોપીને અન્ય કરતૂસો પણ સામે આવ્યો છે. નકલી અધિકારી ઝડપાયો હોવાની જાણ ઓલપાડના સ્યાદલા ગામના મેહુલ પટેલ નામના પેટ્રોલ પંપ સંચાલકને થતા, તેઓ કીમ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા. કીમ પોલીસને ફરિયાદીએ જણાવ્યું કે, સુરત ખાતેથી ઝડપાયેલ હિમાંશુ રાયે નકલી અધિકારીની ઓળખ આપી 3.54 લાખનું ડીઝલ પૂરાવી અને અત્યાર સુધીમાં રૂપિયા ચૂકવ્યા નથી. મળેલી ફરિયાદના આધારે કીમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને કિમ પોલીસ મથક ખાતે લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કીમ પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે, ઓલપાડના સ્યાદલા ગામમાં આવેલા એક ખાનગી પેટ્રોલ પંપના સંચાલક મેહુલ પટેલ દ્વારા કીમ પોલીસ મથક ખાતે એક ફરિયાદ આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હિમાંશુ રાય નામના ઇસમે હજીરા ખાતે સેલ ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવું છું, કહી દોસ્તી કરી ઉધારમાં 3.54 લાખનું ડીઝલ પુરાવી દીધું હતું. આજદિન સુધી પૈસા પરત આપ્યા નથી. આ વ્યક્તિ નકલી ઓફિસર હોવાનું જાણવા મળતા જ કીમ પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે ટ્રાન્સફર વોરંટ બાદ હિમાંશુ રાયને કિમ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો છે.