GDP: ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકાના દરે વૃદ્ધિ કરી
નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના GDPના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરે કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતે 7.6 ટકાના દરે વૃદ્ધિ કરીને અર્થશાસ્ત્રીઓના અંદાજને ખોટા ઠેરવ્યા છે. અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સાડા છ ટકા ગ્રોથ રેટનો અંદાજ આપ્યો હતો, પરંતુ વાસ્તવિક આંકડો તેના કરતાં 1.1 ટકા વધારે રહ્યો છે. મોટાભાગની એજન્સીઓનો અંદાજ 7 ટકાથી ઓછા GDP વૃદ્ધિદરનો હતો, પરંતુ સરકારે 7.6 ટકા રેટ જાહેર કરીને અર્થતંત્ર મજબૂત રીતે આગળ વધી રહ્યું હોવાનો પુરાવો આપ્યો છે.
તહેવારો અગાઉ ઉત્પાદન વધવાથી તેમજ સરકારે ખર્ચમાં વધારો કર્યો હોવાથી અર્થતંત્રનો વૃદ્ધિદર 7 ટકાની ઉપર રહ્યો છે. ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોથ રેટ 6.2 ટકા હતો જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો હતો.
દેશનાં રિયલ GDPનું કદ 41.74 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે, જે ગયા વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 38.78 લાખ કરોડ રૂપિયા હતું. કૃષિ સેક્ટરને બાદ કરતાં અન્ય તમામ સેક્ટર્સમાં વૃદ્ધિના જોરે અર્થતંત્રમાં આશ્ચર્યજનક વૃદ્ધિ જોવા મળી છે. બીજા ક્વાર્ટરનાં મજબૂત ગ્રોથ રેટને કારણે સમગ્ર નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ રેટ પણ ઊંચો રહેવાની શક્યતા વધી છે. ત્રીજા ક્વાર્ટરમાં તહેવારો હોવાથી અર્થતંત્રનો વૃદ્ધિદર વધશે,પરંતુ ચોથા ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી શકે છે.