ભારતીય સર્કસના પિતા તરીકે ઓળખાતા જેમિની શંકરનનું અવસાન,99 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
દિલ્હી : ભારતીય સર્કસના પિતા તરીકે ઓળખાતા જેમિની શંકરન હવે આપણી વચ્ચે નથી. જેમિની શંકરને 99 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. વય સંબંધિત બિમારીઓને કારણે છેલ્લા કેટલાક દિવસોથી કન્નુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા શંકરનનું રવિવારે રાત્રે અવસાન થયું હતું. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ભારતીય સર્કસને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ શંકરનની પ્રશંસા કરી હતી.
વિજયને કહ્યું કે ભારતીય સર્કસને આધુનિક બનાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એક સુંદર કલાકાર હોવા ઉપરાંત, જેમિની શંકરન જેમિની અને જમ્બો સર્કસ કંપનીઓના સ્થાપક પણ હતા. તેમને ભારતના સૌથી જૂના સર્કસ કલાકાર માનવામાં આવે છે. તેણે સર્કસ પરફોર્મર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને દેશ-વિદેશમાં વિવિધ સ્થળોએ પોતાના સ્ટંટ કર્યા હતા.
તેઓ એમ.વી. શંકરન નામથી પણ જાણીતા હતા. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, રાજીવ ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ, માઉન્ટબેટન અને અવકાશયાત્રી વેલેન્ટિના તેરેશકોવા સાથે તેમના સારા સંબંધો હતા. તેમણે ભારતીય સર્કસ ફેડરેશનના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. શંકરનનો જન્મ કેરળમાં 13 જૂન 1924ના રોજ કોલાસેરી, થાલાસેરી થયો હતો. સર્કસ કલા પ્રત્યેના તેમના જુસ્સાને કારણે તેઓ 1938માં તેમાં જોડાયા હતા. આ દરમિયાન તેણે સેનામાં પણ ફરજ બજાવી હતી.