Site icon Revoi.in

ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો, વહેલી પરોઢે ગુલાબી ઠંડીનો અહેસાસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ધીમા પગલે ઠંડીનું આગમન થઇ રહ્યું છે. આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. ત્યારબાદ ધીરે ધીરે ઠંડીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે સૌથી વધુ મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી રાજકોટમાં જ્યારે સૌથી ઓછુ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી વલસાડમાં નોંધાયું હતું. અમદાવાદમાં 36.4 ડિગ્રી મહત્તમ અને 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો જોવા મળશે. તથા સૌરાષ્ટ્રમાં મહત્તમ-લઘુતમ તાપમાન વધુ રહેશે. જેમાં ડિસેમ્બરમાં કોલ્ડ વેવની શક્યતા છે. હાલ મોડી રાતથી પરોઢ સુધી ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો લોકોને અઙેસાસ થઈ રહ્યો છે. જો કે, આગામી સાત દિવસ સુધી વાતાવરણમાં કોઈ બદલાવની સંભાવના નથી. હાલ રાજ્યમાં ડબલ સીઝન ચાલી રહી છે. ગરમી-ઠંડી મિશ્રિત વાતાવરણને કારણે લોકોમાં વાયરસ કેસમાં વધારો થયો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા મુજબ નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. આગામી 3 નવેમ્બર થી 8 નવેમ્બર વચ્ચે ભારે પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે. 4 થી 7 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર, અને અરબ સાગરમાં ડિપ્રેશન બનશે. 14 નવેમ્બર થી 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બંગાળના ઉપસાગરમાં મજબૂત બનશે. આ ચક્રવાત દક્ષિણ પૂર્વ ભારતીય તટો ઉપર ભારે પવન સાથે વરસાદ લાવશે. આ ચક્રવાત ને લઈ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાશે.

ગુજરાતમાં સોમવારે મહત્તમ તાપમાન અમદાવાદમાં 36.4 ડિગ્રી, ડીસામાં 36.9, ગાંધીનગરમાં 35.5, વલ્લભ વિદ્યાનગરમાં 37.8, વડોદરામાં 35.2, સુરતમાં 35.8, વલસાડમાં 37.2, ભુજમાં 36.7, નલિયામાં 34.8, કંડલા પોર્ટમાં 35, ભાવનગરમાં 35.4, દ્વારકામાં 35.3, ઓખામાં 31.4, પોરબંદરમાં 36, રાજકોટમાં 37.9, વેરાવળમાં 35.6, સુરેન્દ્રનગરમાં 37, મહુવામાં 35.4 અને કેશોદમાં 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન અમદાવાદમાં 21 ડિગ્રી, ડીસામાં 20.8, ગાંધીનગરમાં 18.4, વલ્લભ વિદ્યાનગરમાં 22.5, વડોદરામાં 20.4, સુરતમાં 21.7, વલસાડમાં 18, ભુજમાં 22.6, નલિયામાં 20.2, કંડલા પોર્ટમાં 25.2, ભાવનગરમાં 23, દ્વારકામાં 24.5, ઓખામાં 26, પોરબંદરમાં 21.4, રાજકોટમાં 21.6, વેરાવળમાં 23.5, સુરેન્દ્રનગરમાં 22.2, મહુવામાં 19.9 અને કેશોદમાં 20.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું