અમદાવાદ: સ્નાતક થયા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગી જતાં હોય છે. ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સામાન્ય જ્ઞાન વિષય સામેલ કર્યો છે. આ અંગેની જાણકારી રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જિતુ વઘાણીએ ટ્વિટર કરીને આપી હતી.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ્ કરી જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ GPSC, UPSC, તેમજ અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે, યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે હવે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમાં શૈક્ષણિક વર્ષ 2023-24 થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી હવે યુનિવર્સિટી કક્ષાએ UG, PG ના કોર્ષમાં હવે સામાન્ય જ્ઞાનનો વિષય સામેલ કરવામાં આવશે. વર્ષ 2023-24 થી આ વિષયને કોર્સમાં સામેલ કરાશે. મહત્વનું છે કે યુનિવર્સિટી કક્ષાએ આ જનરલ નોલેજનો વિષય મરજિયાત (વિદ્યાર્થીની ઇચ્છા હોય તો જ રાખી શકશે) વિષય તરીકે લાગુ થશે. અને નિષ્ણાતો દ્વારા વિષયને ભણાવવામાં આવશે. જનરલ નોલેજ વિદ્યાર્થીઓને જીવનમાં પણ ઉપયોગી બને છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મોટાભાગના વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ સારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. જો વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ભવનો કે કોલેજોમાં જનરલ નોલેજનો વિષય ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે.