Site icon Revoi.in

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચાર મહિના બાદ હવે તા. 1લી જુલાઈએ યોજાશે

Social Share

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા સાડાચાર મહિના બાદ આગામી તા. 1લી, જુલાઇને સોમવારે બપોરે 3 કલાકે, સરદાર હોલ ખાતે મળશે. સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનું દર મહિને આવતું અંદાજે રૂપિયા 1 લાખના બીલની ગ્રાન્ટ ફાળવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તેમજ ગત વર્ષ-2022-23થી વર્ષ-2024-25 સુધીના નાણાંપંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવતા વિકાસના કામોમાં પુન: ફેરફાર કરવામાં આવશે. સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી, તાલીમ સહિતના મુદ્દે સત્તાપક્ષને ઘેરવાની નીતિ વિપક્ષે બનાવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગઈ તારીખ 19મી, ફેબ્રુઆરી-2024ના રોજ મળી હતી. ત્યારબાદ આચારસંહિતા અંદાજે 82 દિવસ જેટલી લાંબી ચાલતા તમામ પ્રકારના વિકાસના કામોને બ્રેક લાગી ગઇ હતી. જેને પરિણામે ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા સાડા ચાર માસ પછી આગામી તારીખ 1લી, જુલાઇને સોમવારે  બપોરે 3 કલાકે, સરદાર હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પા જયેશભાઇ પટેલની અધ્યક્ષતામાં મ‌ળશે. જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલ કરવામાં આવશે. ઉપરાંત પ્રશ્નોત્તરીમાં વિપક્ષ શાસકપક્ષ ઉપર હાવી રહે તેવી પણ શક્યતા છે. પીડીઆઇ તથા આરજીએસએની તાલીમ અંગેની જાણકારી આપવાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જ્યારે લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થતાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને પણ બહાલ કરવામાં આવશે.

જિલ્લા પંચાયતના એક ડેલિગેટના કહેવા મુજબ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો એક લાખ રૂપિયા વીજબીલની ગ્રાન્ટ ફાળવવાનો બનશે. અને આ મુદ્દે સભાનો માહોલ ગરમાવો પકડશે. જ્યારે છેલ્લા ત્રણેક વર્ષથી નાણાંપંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવામાં આવે છે. તેમ છતાં દર વખતની સામાન્ય સભામાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા વિકાસના કામોમાં ફેરફાર કરવાનો મુદ્દો સતત આવતો રહે છે.