- રાજસ્થાનના અજમેરમાં કલમ 144 લાગૂ
- ઘાર્મિક બેનરો અને ધ્વજ લગાવવા પર પ્રતિબંધ
રાજસ્થાનના અજમેર શહેરમાં વિતેલા દિવસથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરમાં હવે આગામી એક મહિના સુધી કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ધ્વજ અને બેનરોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અજમેર જિલ્લા પ્રશાસનના આદેશ બાદ રાજકારણ પણ ગરમાયું છે. અજમેર જિલ્લા પોલીસ અધિક્ષકે આદેશ જારી કરીને આગામી એક મહિના માટે શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લામાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમોમાં સરકારી જગ્યાઓ, જાહેર ચોક, ઈલેક્ટ્રીક અને ટેલિફોનના થાંભલાઓ અને કોઈ પણ વ્યક્તિની મિલકત પર સક્ષમ મંજુરી વગર કોઈપણ પ્રકારના બેનરો કે ઝંડા લગાવી શકાશે નહીં. એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ આવું કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ આ દેશનું તાત્કાલિક ઘોરણે અમલ કરવા જણાવાયું છે
અજમેર જિલ્લા વહીવટીતંત્રે જિલ્લામાં કલમ 144 લાગુ કરવાનો આદેશ આપ્યા બાદ રાજકારણ પણ ગરમાયું છે. પૂર્વ શિક્ષણ રાજ્ય મંત્રી અને અજમેર ઉત્તરના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીએ આ આદેશને તુઘલક ફરમાન ગણાવતા કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. દેવનાનીએ કહ્યું કે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ સરકાર આવા આદેશો જારી કરી રહી છે, જેનાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી છે.
તેમણે કહ્યું કે સરકાર કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે કામ કરી શકતી નથી, પરંતુ લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહી છે. દેવનાનીએ કોંગ્રેસની સરખામણી ઔરંગઝેબ સાથે પણ કરી છે, તેમણે કહ્યું કે જે રીતે ઔરંગઝેબ તુગલકના ફરમાન બહાર પાડતો હતો, તે જ માર્ગ પર કોંગ્રેસ સરકાર પણ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે અજમેર રાજસ્થાનનું ત્રીજું શહેર છે જ્યાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ પહેલા કોટામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. કરૌલીમાં કલમ 144 લાગુ છે. જિલ્લા પ્રશાસને કોઈપણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા માટે કલમ 144 લાગુ કરી છે. પરંતુ રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે.