1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં ખેડુતોના સિંચાઈ અને વીજળી કનેક્શનના પ્રશ્ને ભારતીય કિસાન સંઘના ઘરણાં
કચ્છમાં ખેડુતોના સિંચાઈ અને વીજળી કનેક્શનના પ્રશ્ને ભારતીય કિસાન સંઘના ઘરણાં

કચ્છમાં ખેડુતોના સિંચાઈ અને વીજળી કનેક્શનના પ્રશ્ને ભારતીય કિસાન સંઘના ઘરણાં

0
Social Share

ભૂજ : નર્મદા યોજનાને લીધે હવે કચ્છ જિલ્લો પણ પાણીદાર બની ગયો છે. કચ્છને નર્મદા યોજનાથી સારોએવો લાભ થયો છે. કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. પરંતુ  જિલ્લામાં ખેડુતોના કેટલાક પ્રશ્નો ઉકેલાતા નથી. જેમાં નર્મદાની બ્રાન્ચ કેનાલોના ઘણાબધા કામો પુરા થયા નથી. તેથી ખેડુતોને સિંચાઈનો ળાબ મળતો નથી. બીજીબાજુ ખેડુતોને વીજ કનેક્શનો પણ મળતા નથી. એટલે બોર-કૂવાઓમાં પાણી હોવા છતાં ખેડુતો સિંચાઈ કરી શકતા નથી.  જિલ્લાના ખેડૂતોને નર્મદાના પાણીના તેમજ વીજ કનેક્શનના પ્રશ્નો અનેક સમયથી સતાવી રહ્યા છે, આથી ભારતીય કિસાન સંઘ તેમજ જિલ્લાના તમામ 10 તાલુકાના ખેડૂતોએ અનેક વાર આ બાબતે રજૂઆતો કરી હતી. અનેક વાર આવેદનપત્ર આપ્યા હતા. ટ્રેકટર રેલી, ધરણાં સહિતના કાર્યક્રમો આપ્યા હતા છતાં પણ સરકાર દ્વારા કોઈ પ્રત્યુતર ના મળતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. જેથી કલેકટર કચેરી સામે ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં ખેડુતો દ્વારા અચોક્કસ મુદતના ધરણાં કરવામાં આવ્યા હતા.

ભારતીય કિસાન સંઘ દ્વારા દુધઇ સબબ્રાન્ચ કેનાલની અધૂરી કામગીરી તાત્કાલિક પૂરી કરવાની માંગણી સાથે રુદ્રમાતા જાગીર પાસે તાજેતરમાં સભા તેમજ ટ્રેકટર રેલી યોજવામાં આવી હતી. જો સરકાર દ્વારા કેનાલનું કામ તાત્કાલિક ધોરણે પૂરું નહી કરાય તો કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદતના ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચરાઈ હતી ત્યારે ગુરૂવારે જિલ્લાના ખેડૂતો કલેકટર કચેરીની સામે અચોક્કસ મુદ્દતના ધરણાં પર બેઠા હતા. સરહદી જિલ્લા કચ્છમાં નર્મદાના નીરને લઈને અનેક વાર ખેડૂતો દ્વારા રજૂઆત કર્યા છતાં પણ હજુ કચ્છના ખેડૂતોને નર્મદાના પાણીની સમસ્યા સતાવે છે. ખેડૂતોની સમસ્યાનું નિવારણ આવતું નથી.જેથી કરીને ખેડૂતો સરકારના ખોટા વાયદાઓથી પરેશાન થયા છે. હવે જુદાં જુદાં સ્તરે કાર્યક્રમો આપશે અને જરૂર જણાશે તો ગામો પણ બંધ કરવામાં આવશે.અવું ભારતીય કિસાન સંઘના અગ્રણીએ જણાવ્યું હતુ.

કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી નિયમિત પહોંચાડવા બે કેનાલનું આયોજન કરાયું છે. તેમાં એક ટપ્પરથી મોડકુબા સુધી અને બીજી ટપ્પરથી રૂદ્રમાતા સુધીની કેનાલનો સમાવેશ થાય છે. ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં બે વર્ષ પહેલાં સરકાર દ્વારા અચાનક કેનાલના બદલે પાઇપ લાઇન પાથરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કારણ કે,  દુધઇ સબ બ્રાન્ચ કેનાલ 68 કિલોમીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના 33 કિલો મીટરના કામો થઇ ગયા છે. જ્યારે બાકીના 45 કિલોમીટરના કામ બાકી છે.

ભારતીય કિસાન સંઘના જિલ્લા અગ્રણીના જણાવ્યા મુજબ નર્મદા નિગમ દ્વારા તેનો સર્વે પણ કરાઇ ગયો છે તેમજ એસ્ટીમેટ પણ બની ગયો છે. માત્ર ખેડૂતોને જમીન સંપાદનના એવોર્ડ કરવાના બાકી રહ્યા છે. ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ નિયમો મુજબ તૈયાર છે તો તાત્કાલિક ધોરણે બાકીના કામો પુરા કરવા સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે કારણ કે, 45 કિલો મીટરમાં આવતા ભુજ તાલુકાના 10 ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં આવે છે. આ ગામો પાસે સિંચાઇ માટે અન્ય કોઈ વ્યવસ્થા નથી અને સરહદો પરના ગામો છે તેમાં પાણી અભાવે ખેડૂતી અને માલધારીઓ હિજરત કરી રહ્યા છે જેને રોકવા માટે પાણી અગત્યનું હોતાં બાકી રહેતાં કામો તાત્કાલિક પૂરા કરવા યોગ્ય પગલા સરકાર લે તેવી માંગણી ઊભી થઈ છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code