ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે જુદા જુદા સમાજો દ્વારા વિવિધ માગણીઓ કરીને સરકાર સામે પ્રશ્નો ઉકેલવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા પણ 20 ટકા અનામતની માંગ સાથે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
સૂત્રના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજનીતિ સાથે જ્ઞાતિવાદ પણ ઊભરી રહ્યો છે. થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઠાકોર અને કોળી સમાજ એકતા મિશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ઠાકોર અને કોળી સમાજને ગુજરાત રાજ્યમાં વસ્તી પ્રમાણે 20 ટકા જેટલી અનામત મળે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે, આ બાબતે સરકાર તરફથી સકારાત્મક અભિગમ નહીં અપનાવવામાં આવતાં ગુરૂવારે ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના નેજાં હેઠળ બન્ને સમાજ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના આગેવાનોએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજની વસ્તી 40 ટકાથી વધુ છે. આઝાદીના 70 વર્ષ પછી પણ સમાજની આર્થિક સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિમાં કોઇ સુધારો થઈ શક્યો નથી. આ સમાજ જોડે વેપાર ધંધા નોકરી કે રોજગાર ના કોઈ સ્રોત ન હોવાના કારણે સમસ્ત ઠાકોર અને કોળી સમાજ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠો છે. છેલ્લા ઘણા સમયથી સમસ્ત ઠાકોર અને કોળી સમાજ પોતાની માંગણીને લઇ સરકાર સમક્ષ રજૂઆત કરી ન્યાયની માંગ કરી રહ્યો છે.
ગુજરાત ઠાકોર અને કોળી એકતા મિશનના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી મુખ્ય ચાર માગણીઓ છે. જે મુજબ ઠાકોર અને કોળી સમાજને વસતીના ધોરણે અનામત મળે અથવા 20 ટકા અનામત મળે. બીજી માંગણી છે ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 1500 કરોડની ગ્રાન્ટ મળે, દરેક જિલ્લામાં આદર્શ નિવાસી શાળા અને હોસ્ટેલ બને, જાતિ આધારિત વસતિ ગણતરી થાય તેવી માંગ છે. જો આગળના સમયમાં માંગણીઓ સ્વીકારવામાં નહિ આવી તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.