દિલ્હીઃ બેહટા હાજીપુર ગામ પાસે એક ગોડાઉનમાં ધમધમતા કતલખાના ઉપર પોલીસે છાપો માર્યો હતો. દરમિયાન આરોપીઓએ પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો. જેથી પોલીસે જવાબી કાર્યવાહી કરતા બંને તરફથી ધાણીફુટ ગોળીબાર થયો હતો. ગોળીબારમાં સાત કસાઈઓ ઈજાગ્રસ્ત થયાં હતા. જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ પાસેથી સાત પિસ્તોલ અને પશુઓની હત્યામાં વપરાતા હથિયારો જપ્ત કરાયાં હતા. તેમજ બે ટેમ્પો અને મોટરસાઈકલ પણ જપ્ત કરી હતી.
લોની બોર્ડર પોલીસ સ્ટેશનના અધિકારી રાજેન્દ્ર કુમાર ત્યાગીએ જણાવ્યું કે બેહટા હાજીપુર ગામ પાસે એક ગોડાઉનમાં કેટલાક શખ્સો પ્રતિબંધિત પ્રાણીઓની કતલ કરવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી. તેમજ ગોડાઉનને ચારેય તરફથી ઘેરીને આરોપીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેમણે પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. જેથી પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. આરોપીઓએ લગભગ સાત રાઉન્ડ અને પોલીસે 13 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસે કરેલા ફાયરિંગમાં સાત આરોપીઓ ઘાયલ થયાં હતા. જ્યારે તેમના બે સાથીઓ ફરાર થઈ ગયા હતા.આરોપી મુસ્તાકીમ હનીફ (રહે, મુસ્તફાબાદ દિલ્હી), સલમાન શોકિન (રહે, મુસ્તફાબાદ), મોનુ પપ્પુ (રહે, નાયપુરા લોની), ઇન્તેઝાર યુનુસ (રહે, અશોક વિહાર લોની), નાઝીમ (રહે જનતા કોલોની, દિલ્હી), આસીફ યુનુસ (રહે, અશોકવિહાર) અને બોલર ઈસ્લામ (રહે, પ્રેમનગર લોની) પોલીસ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યારે ભુરો અને દાનિશ ફરાર થઈ જતા તેમને ઝડપી લેવા પોલીસે કવાયત શરૂ કરી છે.