દિલ્હીઃ ગાઝિયાબાદના રામનગર એક્સટેન્શનની એક બહુમાળી ઈમારતની લીફ્ટમાં 10 વર્ષનો એક બાળક ફસાઈ ગયો હતો. જો કે, હિંમત હાર્યા વિના અને ડર વિના લિફ્ટ ખોલવાનો પ્રયાસ કરનાર આ બાળક 50 મિનિટ બહાર નીકળ્યો હતો. સોસાયટીના જી-ટાવરમાં દોસ્તને મળવા જતો ઇવાન ભારદ્વાજ 12 માળ ઉપર લીફ્ટમાં ફસાયો હતો. 50 મિનિટ સુધી બાળકે બહાર નીકળવા માટે લીફ્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થતા તેણે પોતાના શરીર ઉપર કપડા ઉતારીને ફેંકી દીધા હતા. લીફ્ટ પાસેથી પસાર થતી એક વ્યક્તિએ અંદર ફસાયેલા બાળકનો અવાજ સાંભળીને ભારે જહેમત તેને બહાર કાઢ્યો હતો. આ અંગે બાળકના પરિવારજનોએ સોસાયટીના બિલ્ડર અને મેન્ટેન્સ વિભાગ સામે નંદગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લીફ્ટમાં ફસાયેલા આ બાળકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ લોકો બાળકની હિંમતને સલામ કરી રહ્યાં છે.
બાળકે કહ્યું હતું કે, લીફ્ટમાં ફસાયા બાદ ઈન્ટરકોમ અને એલાર્મ મારફતે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બંને ખરાબ હતા. બેદરકારીની હદ તો એ છે કે, સુરક્ષા ગાર્ડે લીફ્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુજેટ પર નજર જ ના કરી. 50 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલા રહેલા બાળકે બહાર નીકળવાના પ્રયાસ કર્યાં હતા. આ દરમિયાન તેને હાથમાં ઈજા પણ થઈ હતી. આ બનાવ બાદ બાળક ડરી ગયો છે અને લીફ્ટનો ઉપયોગ કરતા પણ ડરી રહ્યો છે. હાલ તેનું કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે.
બાળકના પિતાએ વધુમાં કહ્યું હતું કે, સોસાયટીમાં લગભગ દોઢ મહિના પહેલા પણ લિફ્ટમાં બાળક ફસાઈ ગયો હતો. ત્યારે પણ ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. બાળક ફસાવવાની ફરિયાદ મેન્ટેનન્સ વિભાગને કરી તો સમસ્યાનું સમાધાન કાઢવાની જગ્યાએ ગેરવર્તન કર્યું હતું.