ગઝવા એ હિંદવાળા ફતવાને દારૂલ ઉલમ દેવબંદે ગણાવ્યો યોગ્ય!: ભારતમાં ઓફિસ, ભારત પર જ આક્રમણ?
સહારનપુર: ઉત્તરપ્રદેશના સહારનપુર ખાતેના દેવબંદમાં આવેલા દારુલ ઉલૂમે ગઝવા એ હિંદને યોગ્ય ઠેરવતા ફતવાને લઈને મોટો નિર્ણય આપ્યો છે. દારુલ ઉલૂમનું કહેવું છે કે આ ફતવો સાચો છે અને જો તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે, તો તેઓ કોર્ટમાં જશે.
સહારનપુરમાં દારુલ ઉલૂમની સૌથી મોટી કમિટી મજલિસ એ શૂરાની બેઠક થઈ હતી. જેમાં શૂરાના સદસ્યોએ ગઝવા એ હિંદ પર આપવામાં આવેલા ફતવાને યોગ્ય ઠેરવ્યો હતો. શૂરાનું કહેવું છે કે દારુલ ઉલૂમની વેબસાઈટ બંધ કરવામાં નહીં આવે. પહેલાની જેમ જ ફતવાઓને ઓનલાઈન માધ્યમથી જાહેર કરવામાં આવશે.
મીડિયા અહેવાલો મુજબ, દારુલ ઉલૂમ દેવબંદની વેબસાઈટ પર ગઝવા એ હિંદને યોગ્ય ઠેરવવામાં આવ્યું છે. આના પર રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે કડકાઈ દાખવતા ડીએમને કાર્યવાહી કરવાના નિર્દેશ આપીને એફઆઈઆર નોંધાવવા માટે પણ તાકીદ કરી હતી. હવે ઘણાં મુદ્દાને લઈને દારુલ ઉલૂમના ગેસ્ટ હાઉસમાં બેઠક યોજાઈ હતી. તેમાં ફતવા પર અડગ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો. દારુલ ઉલૂમમના મોહતમિમ મુફ્તિ અબ્દુલ કાસિમ નૌમાનીએ કહ્યુ છે કે ગઝવા એ હિંદ પર આપવામાં આવેલા ફતવાના મામલામાં ભવિષ્યમાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે, તો તેનો કાયદાકીય રીતે જવાબ આપવામાં આવશે.
ગઝવા એ હિંદની વિરુદ્ધના ફતવા સામે હવે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે સુઓ મોટો હેઠળ સહારનપુર પોલીસના અધિકારીઓને કાર્યવાહી માટે નોટિસ જાહેર કરી હતી. એનસીપીઆરએ નોટિસમાં કહ્યુ હતુ કે આ મદરસા ભારતના બાળકોને દેશવિરોધી તાલીમ આપી રહ્યું છે. તેનાથી ઈસ્લામિ કટ્ટરપંથને પ્રોત્સાહન મળશે. બાળકોમાં દેશ પ્રત્યે નફરત પેદા થશે. પંચે કહ્યું છે કે બાળકોને બિનજરૂરી રીતે પરેશાન કરવા અથવા શારીરિક કષ્ટ આપવું કિશોર ન્યાય અધિનિયમની કલમ-75નું ઉલ્લંઘન છે.
દારુલ ઉલૂમ દેવબંદની સાઈટ પર સવાલ કરવામાં આવ્યો હતો કે શું હદીસમાં ભારત પર આક્રમણનો ઉલ્લેખ છે, જે ઉપખંડમાં હશે? અને જે પણ આ જંગમાં શહીદ થશે, તે મહાન શહીદ કહેવાશે. અને જે ગાઝી હશે તે જન્નતી હશે. આ સવાલના જવાબમાં દારુલ ઉલૂમ દેવબંદે ફતવો જાહેર કર્યો હતો. ફતવામાં સુન્ન અલ નસા નામના પુસ્તકનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે આ પુસ્તકમાં ગઝવા એ હિંદને લઈને આખું ચેપ્ટર છે. તેમાં હઝરત અબુ હુરૈરાની હદીસનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે અલ્લાહના સંદેશવાહકે ભારત પર હુમલાનો વાયદો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જો હું જીવતો રહ્યો, તો તેના માટે હું મારી ખુદની અને પોતાની સંપત્તિને કુરબાન કરી દઈશ. હું સૌથી મહાન શહીદ બનીશ.
આ મામલામાં હવે દારુલ ઉલૂમ દેવબંદે સ્પષ્ટ કર્યું છે કે તે ફતવાને નહીં હટાવે અને ન તો વેબસાઈટને બંધ કરશે. આ મામલામાં દારુલ ઉલૂમે સહારનપુરના ડીએમને પણ પોતાનો જવાબ મોકલ્યો છે. દારુલ ઉલૂમે કહ્યુ છે કે આ ફતવો નવ વર્ષ જૂનો છે. આ ફતવો 2015માં આપવામાં આવ્યો હતો. મજલિસ એ શૂરાના સદસ્યોએ ડીએમને મોકલેલા જવાબ પર સંમતિ વ્યક્ત કરી છે.
આ મામલામાં સહારનપુરના ડીએમ ડૉ. દિનેશચંદ્રે કહ્યુ છે કે ફતવા પ્રકરણમાં જિલ્લા પ્રશાસને પોતાની પ્રાથમિક તપાસનો રિપોર્ટ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચને મોકલ્યો છે. પંચના નિર્દેશ મુજબ, આગળની કાર્યવાહી કરવામાં આવશે.