ઘેલા સોમનાથ મંદિર શિવરાત્રિએ 24 કલાક ખુલ્લું રહેશે, જળ અને દુગ્ધાભિષેક સાથે ગુંજશે શિવનાદ
રાજકોટઃ મહા શિવરાત્રિના પર્વને હવે એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે શિવ મંદિરોમાં મહા શિવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જસદણ નજીકના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીની ભવ્યતમ ઊજવણી કરવામાં આવશે. પ્રભાસપાટણ સ્થિત સોમનાથ જ્યોતિર્લિંગ બાદ જેમનું સ્થાન શિરમોર ગણાય છે તેવા ઘેલા સોમનાથ મંદિર ખાતે તા.1 માર્ચને મંગળવારે મહા શિવરાત્રીના દિવસે આખો દિવસ જળાભિષેક તથા દુધઅભિષેક થશે. શિવરાત્રીના દિવસે દર્શનાર્થીઓ માટે મંદિર 24 કલાક ખુલ્લું રહેશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી થશે. બપોરના 11 કલાકે મહાપુજા થશે. બપોરના 12 કલાકે મહાઆરતી થશે. સાંજે 7-30 કલાકે સંધ્યા આરતી થશે. રાત્રે 9 કલાકે ચાર પહોરની પ્રથમ આરતી થશે. રાત્રે 12 કલાકે ચાર પહોરની બીજી આરતી થશે. રાત્રે 2 કલાકે ચાર પહોરની ત્રીજી આરતી થશે. તા.2-3 ને બુધવારે વહેલી સવારે 5 કલાકે ચાર પહોરની ચોથી આરતી થશે. શિવરાત્રીના દિવસે મંદિરનો પુજાનો સમય સવારે 6 થી 10 વાગ્યાી સુધીનો રહેશે. દાતાના સહયોગથી ઘેલા સોમનાથ દાદાને ધ્વજા પણ ચડાવવામાં આવશે.
ઘેલા સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ અને દાતાના સહયોગથી 7 હજાર ભાવિકો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવશે. બપોરના 1 કલાકે અને સાંજે 7 કલાકે ભુદેવ-સાધુ અને ભકતોને પ્રસાદમાં ફરાળ આપવામાં આવશે. દાદાને આખો દિવસ જુદા-જુદા શણગાર મંદિરના પુજારી હસુભાઈ જોષી દ્વારા કરાશે. મહાશિવરાત્રીના દિવસે જસદણ તાલુકાના કાળાસર અને લીલાપુર ગામના સ્વષયંસેવક ભાઈઓ શિવરાત્રી પર્વ ઉપર આખો દિવસ પોતાની સેવા આપશે. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટસ તરફથી મહા શિવરાત્રીના આયોજન માટે રાજકોટ કલેકટરની સુચના મુજબ જસદણના નાયબ કલેકટર કે.વી.બાટીની દેખરેખ હેઠળ મહા શિવરાત્રીની ભવ્યતમ ઉજવણી થશે.