અમદાવાદઃ ધ્રાંગધ્રા નજીક આવેલા ઘુડખર અભ્યારણમાં છેલ્લા કેટલાક વર્ષોથી દુલર્ભ પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, બીજી તરફ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી-બજાણા તેમજ ધ્રાંગધ્રા વિસ્તારને અડીને આવેલ ઘુડખર અભ્યારણમાં સમગ્ર એશિયામાં માત્ર અહીં જોવા મળતી દુર્લભ પક્ષી તેમજ પ્રાણીઓની પ્રજાતિમાં ઘુડખર મુખ્ય આકર્ષણ છે.
આ વર્ષે અભયારણ્ય અધિકારીઓના અંદાઝ મુજબ ઘુડખર, નાર, શિયાળ, શાહુડી, ઝરખ અને રણલોંકડી જેવા દુર્લભ પ્રાણીઓ તેમજ પક્ષીઓમાં શોર્ટ ટોઇટ લાર્ક, ઇગલ્સ, પેરેગ્રીન ફાલકન, મર્લિન સુરખાબ અને ફ્લેમિંગો સહિતની વિવિધ પક્ષીઓની પ્રજાતિમાં વધારો જોવા મળ્યો છે.
આ વિસ્તારમાં આ તમામ દુર્લભ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સલામતી, શાંતિ અને ખોરાક મળતો હોવાથી પ્રાણીઓ અહી આવીને વસવાટ કરતા હોય છે. આ પ્રાણીઓને જોવા દુર્લભ હોવાથી દૂર દૂરથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશથી પણ પ્રવાસીઓ રણમાં આવવા આકર્ષાય છે. ચાલુ વર્ષે આ અભ્યારણ વિસ્તારમાં વિવિધ દુર્લભ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળતા પ્રવાસીઓની પણ સંખ્યા વધી પામી છે, તેવું વન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રવાસન વિસ્તારોનો સરકાર દ્વારા સતત વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેના પગલે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ભારત ઉપરાંત વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની દર વર્ષે મુલાકાતે આવે છે. પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યાં છે.