ગાંધીનગરમાં હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ જીઆઈડીસીને લઈને સવાલ કર્યો હતો. રાજ્યના ઔદ્યોગિક ઉત્થાન, સ્થાનિક રોજગારી અને ક્લસ્ટર ડેવલપમેન્ટ પાછળ જીઆઇડીસીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. 147 તાલુકાઓમાં સ્થાનિક ધંધા રોજગારી માટે વ્યવસ્થા છે. અહીં ધમધમતા અનેક એકમોમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળી રહી છે, જ્યારે અન્ય તાલુકાઓના આગેવાનોએ સ્થાનિક વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ માટે રજુઆત કરી હતી. રાજ્યના 104 તાલુકાઓ એવા છે કે ત્યા જીઆઇડીસી નથી. બનાસકાંઠાના 8 તાલુકા અને જૂનાગઢ જિલ્લાના 7 તાલુકાઓમાં જીઆઇડીસીની વ્યવસ્થા નથી. આ સિવાય સુરતના 6, ખેડાના 6, દાહોદના 6, સાબરકાંઠાના 5, માહિસાગરના 5, ભાવનગરના 5 અને અમરેલીના 5 તાલુકાઓ મળી કુલ 104 તાલુકાઓમાં જીઆઇડીસી નથી. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, દરેક તાલુકા કક્ષાએ જી.આઈ.ડી.સી. બનાવવાનું હાલમાં કોઈ આયોજન નથી. જો કે, બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે સરકાર કામગીરી કરી રહી છે.