અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ખેડુતોને કપાસના ખૂબજ સારા ભાવ મળ્યા છે. એટલે ખેડુતોએ ખરીફ સીઝનમાં કપાસના વાવેતરમાં વધારો કર્યો છે. ખેડૂતો મન મૂકીને કપાસ વાવી રહ્યા છે. બીજી તરફ જિનીંગ મિલો પણ કપાસની આવક બંધ થતા બંધ થઇ ગઇ છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં કુલ મળીને 600 જેટલી જિનો આવેલી છે, એમાંથી માંડ 30-40 જિનો ચાલુ છે, જોકે જૂનના અંત સુધીમાં તમામ જિનો બંધ થઇ થઈ જશે.
સૌરાષ્ટ્ર જિનર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કપાસની આવક બંધ થઈ ગઈ છે. એટલે હવે સીઝન આટોપાઇ ગઇ છે. ચાલુ વર્ષે ઉત્પાદન ઓછું થવાને લીધે સતત તેજી રહી હતી. જિનોને ડિસ્પેરિટીથી રૂ બનતું હતુ પણ એકધારી તેજીને લીધે વેચાણ કરવાની તક મળતી રહી છે એટલે જિનોને નુક્સાની ગઇ નથી. જિનો વ્યવસ્થિતપણે ચાલ્યા હતા. ગુજરાતમાં કુલ 600 જેટલી જિનીંગ મિલો આવેલી છે. એમાંથી 10-15 જિનો ચાલુ હોવાનો અંદાજ છે. જોકે જે મિલો ચાલુ છે એમાં ય ઉત્પાદન કટકે કટકે થઇ રહ્યું છે. કોઇ એકાદ પાળીમાં ચલાવે છે તો કોઇ સપ્તાહમાં બે ત્રણ દિવસ કપાસ મળે ત્યારે ચલાવે છે. જોકે જૂનના અંતમાં બધી જ જિનો બંધ થઇ જશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કપાસની આવક સૌરાષ્ટ્રમાં હવે આઠથી દસ હજાર મણ કરતા વધારે થતી નથી. કપાસનો ભાવ માર્કેટ યાર્ડમાં સરેરાશ રૂ. 2000-2600 ચાલે છે. જોકે જિનોને સારો માલ જોઇએ અને તેનો ભાવ રૂ. 2600 આસપાસ છે પણ હવે સ્ટોક પૂરો થતા કપાસ મળવો મુશ્કેલ છે. સંકર રૂનો ભાવ ખાંડીએ રૂ. 1.10 લાખ સુધી પહોંચ્યા પછી જૂનમાં ઘટીને રૂ.1.02 લાખ આસપાસ થઈ ગયો હતો. ચાલુ સીઝનમાં દેશમાંથી રૂની નિકાસ 37-40 લાખ ગાંસડી થઇ હોવાનો અંદાજ છે. જોકે પાછલા વર્ષમાં નિકાસ 52-53 લાખ ગાંસડી હતી. નબળા પાકને લીધે કપાસ-રૂમાં તેજીને કારણે નિકાસ માગને ફટકો પડ્યો છે. ચીનની માગ પણ નબળી રહી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રૂની સીઝન પૂરી થવા આવી છે. હજુ થોડાં જિન ચાલુ છે પણ જૂનમાં હવે પ્રેસિંગ સાવ ઘટી જવાનું છે. ગુજરાતમાં ઓક્ટોબરથી મે મહિનાના અંત સુધીના પ્રેસિંગના આંકડાઓ બહાર આવતા સંકર અને કલ્યાણ મળીને 73.45 લાખ ગાંસડીનું પ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જે પાછલા વર્ષ કરતા 16.73 ટકા ઓછું છે. ગયા વર્ષમાં 88.21 લાખ ગાંસડીનું પ્રેસિંગ થયું હતુ. ઉત્તર ગુજરાતમાં 35 ટકા જેટલો ઘટાડો થતા 24.73 સામે 15.91 લાખ ગાંસડીનું પ્રેસિંગ થયું હતુ. સૌરાષ્ટ્રમાં 11 ટકા ઘટડા 54.76 સામે 26.16 લાખ ગાંસડીનું પ્રેસિંગ કરવામાં આવ્યું હતું આ સીઝનમાં મે મહિનામાં સૌથી વધારે 13.63 લાખ ગાંસડીનું પ્રેસિંગ થયું હતુ. જ્યારે મે મહિનામાં ફક્ત 3.50 લાખ ગાંસડીનું પ્રેસિંગ થઇ શક્યું છે. મે મહિનામાં ગુજરાતમાં 197 જેટલી જિનો ચાલુ હતી.