Site icon Revoi.in

ગીરઃ કેસર કેરીની વાડીઓ ખેડૂતે જ કરી નષ્ટ, કારણ જાણીને ચોંકી જશો..

Social Share

અમદાવાદઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીની વાડીઓ જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે  તે કેસર નામ સાંભળતા જ ભલ ભલાનાં મોમાં પાણી આવી જાય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે. પોતાના બાળક કરતા વિશેષ માવજત કરીને ઉછારેલા આંબાના વૃક્ષ પણ કરવટ ફેરવી રહ્યાં છે. જોકે આંબાના વૃક્ષો  તાલાલા ગીરના સુરવા, ઘાવા, હડમતીયા વાડલા સહીતના ગામોમાં પણ કપાઈ રહ્યાં છે. કેસર કેરીના આંબાની વાડીઓ નષ્ટ કરતા ખેડૂતોનું કહેવું છે કે, ‘છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગની અસર અને કમોસમી માવઠાના મારથી કેરી પકવતા બાગાયતી ખેડૂતો દીન પ્રતીદીન નુકસાનીનાં ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. ગત વર્ષ આંકોલવાડી ગીર ગામે 20 વીઘાના આંબાના બગીચામાં 300થી વઘુ આંબાના વૃક્ષોનું કટીંગ થયું હતું. 

ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે આંબાના આ વૃક્ષો પર કરવત ચલાવવા અમારૂ પણ કાળજું કંપે છે.પરંતુ ના છુટકે આ કરવુ પડી રહ્યું છે. હવે ખેડૂતો આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યાં છે. તો આંબા કટિંગ કરતા મજૂરોને પણ રોજગારી મળી રહે છે…!!

મહત્વનું છે કે , ગીર સોમનાથ જિલ્લામાં કુલ 15,500 હેકટરમાં કેસર કેરીના આંબાનું વાવેતર છે. જેમાં એકલા તાલાલા ગીરમાં 9500 હેકટરમાં વાવેતર છે. એટલેજ તાલાલા ગીરને કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મીગંને કારણે કેરીનું ઉત્પાદન દીન પ્રતી દીન ઘટી રહ્યું છે. કેસર કેરીના બગાયતી પાકોને પાક વિમા હેઠળ આવરી લેવા છેલ્લા એક દાયકાથી ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. પરંતુ કયાં કારણોસર આ દીશામાં નકકર કાર્યવાહી થતી નથી તે સમજાતું નથી. જો કેસર કેરીના પાકને પાક વિમાનું રક્ષણ મળે તો ખેડૂતોને કુદરતી આફત સમયે ટેકો મળી રહે છે. 

ગીરની કેસર કેરી દિન પ્રતિદિન ઘટતી જશે અને ક્યાંક એવો સમય ન આવે કે નામ શેષ રહી જાય. બીજી તરફ 50 વર્ષથી વધુ જુના આંબાનાં વૃક્ષ ખેડૂતોને ફરજિયાત કટિંગ કરવા પડે તેમ છે. કારણકે વૃક્ષની ઉંમર વધતા ફળ નાનું થતું જાય અને વૃક્ષ વધીને ઊંચા થવાથી કેરી ઉતારવાનો ખર્ચ વધી જાય છે. આવા વર્ષો જુના આંબાનાં વૃક્ષો કાપીને નવી કલમો વાવીને નવસર્જન થઈ રહ્યું છે. નવા રોપમાં 3 વર્ષ બાદ મબલખ પ્રમાણમાં કેરી આવવા લાગે છે અને ફળ પણ મોટું થાય તો બજારમાં ભાવ સારો મળે છે. ખેડૂતોને ફાયદો થાય પરંતુ આવી રીતે નવસર્જનનો રેશયો 10 ની સામે 2 નો છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે દિનપ્રતિદિન કેસર કેરીનું ઉત્પાદન ઘટતા ખેડૂતો બાગાયતી પાક છોડીને મગ, અડદ, ઘઉં, બાજરી અને મગફળી જેવા રોકડીયા પાકો તરફ વળતા થયા છે. યોગ્ય માત્રામાં પાણી હોય તેવા ખેડૂતો આંબા કાપીને અન્ય પાકો તરફ વળી રહ્યા છે. જેની સંખ્યા ગીર વિસ્તારમાં ખાસ્સા પ્રમાણમાં વધી છે. ગિરની શાન ગણાતી કેસરને બચાવવા માટે સરકારે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને સહાય આપવી ઘટે.