તલાલામાં ગીરની કેસર કેરીની હરાજીનો પ્રારંભ તા.4થી મેથી થશેઃ ગત વર્ષ કરતા ભાવ થોડા વધુ રહેવાની શક્યતા
જુનાગઢઃ તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ચાર મેથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થશે. તાલાલા યાર્ડમાં ગત વર્ષ 10મેથી કેસર કેરીની સિઝન શરૂ થઇ હતી. આ વર્ષે છ દિવસ વહેલી શરૂ થશે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે દસ કિલોના 6 લાખ 87 હજાર બોક્ષની આવક સાથે એક બોક્ષનો સરેરાશ ભાવ રૂ.410 ઉપજ્યો હતો. પરંતુ આ વર્ષે ભાવ થોડા વધુ રહેવાની શક્યતા છે.
તાલાલા માર્કેટીંગ યાર્ડના નવા વરાયેલા પદાધિકારીઓની ઉપસ્થિતીમાં યાર્ડની પ્રથમ બોર્ડની બેઠક મળી હતી. જેમાં 4મેથી કેસર કેરીની નવી સિઝન શરૂ કરવા નિર્ણય લેવાયો હતો. તાલાલા યાર્ડમાં ગત વર્ષ 10મેથી કેરી સિઝન શરૂ થઇ હતી. આ વર્ષે છ દિવસ વહેલી નવી સિઝનનો શુભારંભ થશે. તાલાલા માર્કેટીંગ યાર્ડના સુત્રોના જણાવ્યા પ્રમાણે તાલાલા યાર્ડમાં ગત સિઝનમાં 37 દિવસ સિઝન ચાલી હતી. દરમિયાન દસ કિલો ગ્રામના 6 લાખ 87 હજાર બોક્ષનું વેચાણ થયું હતું. જેમાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોને એક બોક્ષનો સરેરાશ ભાવ રૂ.410 ઉપજ્યા હતા. જે છેલ્લા 20 વર્ષનો સૌથી વધુ હતો.
તાલાલા યાર્ડમાં ગત વર્ષે 37 દિવસ કેરીની સિઝન ચાલી હતી. આ દરમિયાન 28 થી 29 કરોડની કેરીનું વેચાણ થયું હતું. આ ઉપરાંત ખેડૂતોએ બે ભાગની કેરીનું વેચાણ યાર્ડની બહાર જથ્થાબંધ વેપારીઓ તથા ગ્રાહકોને સીધું કર્યું હોવાનો અંદાજ અનુભવીઓએ વ્યક્ત કર્યો હતો. આ સિવાય કેરી ભરવાના ખાલી બોક્ષ સહિતનું વ્યાપક વેચાણ કેસર કેરીની સિઝન દરમિયાન થયું હતું. પરિણામે ગત વર્ષે કેસર કેરીની સિઝનમાં સો કરોડના કારોબાર થતા તાલાલા પંથકનું અર્થતંત્ર વેગવંતુ થઇ ગયું હતું. જેના કારણે લોકડાઉન પછી ગીર પંથકમાં આર્થિક પરિસ્થિતિ જે ડામાડોળ થઇ ગઇ હતી. મંદી માજા મુકી રહી હતી. જેમાં 37 દિવસની કેસર કેરીની સિઝનએ નવા પ્રાણ પુર્યા હતા.