- જીએસટીના વધેલા દરોનો માર હવે ગોળના ઉત્પાદન પર
- 15 થી 30 હજાર રૂ.સુધીનો ટેક્સ ખેડૂતોએ ચૂકવવો પડશે
- ખેડૂતોમાં જોવા મળ્યો ભારે રોષ
રાજકોટ: તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરોમાં ફેરફારની સાથે વધારો કરાયો છે, જેમાં મોટાભાગની જીવનજરૂરી તમામ ચીજ વસ્તુઓને સામેલ કરવામાં આવી છે તે પૈકીમાં ગોળ પણ હવે જીએસટીના દાયરામાં આવેલો જોવા મળી રહ્યો છે. સરકારે જે પ્રકારે જીએસટીમાં વધારો કર્યો છે તેને લઈને શેરડીની ખેતી અને ગોળ બનાવતા નાના અને મધ્યમ ઉદ્યોગકારો પર કરબોજ પડી રહ્યો છે જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર ,તાલાલા અને ઉના પંથકમાં પ્રતિવર્ષ પાંચ લાખ ટન કરતાં પણ વધુ શેરડીનું ઉત્પાદન થાય છે.ત્યારે સરકારે ગોળ પર વધારેલા જીએસટીના દરોને કારણે હવે 15 થી 30 હજાર રૂપિયા સુધીનો ટેક્સ ખેડૂતોને ચૂકવવો પડશે જેને લઈને ગોળ ઉત્પાદન અને શેરડીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો સરકારના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે અને સરકાર જીએસટીનો વધારેલો દર પરત ખેંચે તેવી માંગ પણ કરી રહ્યા છે.
સમગ્ર રાજ્યમાં ગોળનું 50 લાખ ડબ્બા ઉત્પાદન થાય છે. તેમાં અડધો હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આગામી માર્ચ માસ સુધીમાં 30 લાખ ડબ્બા ગોળનું એકલા ગિર સોમનાથ જિલ્લામાં પરિપૂર્ણ થઈ જશે. હાલ ઉના-તાલાલામાં 240 અને કોડિનાર પંથકમાં 135 ગોળના રાબડા ધમધમી રહ્યા છે.