ગીર સોમનાથ-જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં, 560 લોકોનું રેસ્ક્યુ કરાયું
અમદાવાદઃ ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે. તલાળામાં હિરણ નદીના પુરના પાણી ઘસી આવતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. શહેરમાં અનેક સ્થળોએ વીજપોલ પડી ગયા છે અને અનેક મકાનો પડી ગયા છે. તલાળાના નરસિંહ ટેકરી અને ધારેશ્વર વિસ્તારમાં સૌથી વધારે નુકસાન થયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 60 જેટલા બકરા, 20 જેટલી ભેંસો અને 10થી વધુ ગાયો તણાઈ હતી. રેસ્કયુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 560 લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સહીસલામત રીતે બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવાયાં હતા. જૂનાગઢમાં ભારે વરસાદને પગલે નાવડા ગામ સંપર્ક વિહોણુ બન્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સુત્રાપાડા શહેરની મુખ્ય બજાર અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ હતી. જેના કારણે ઘરમાં પાણી ઘુસી જતા કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સુત્રાપાડામાં 24 કલાકમાં 24 ઇંચ જેટલો વરસાદ થયા બાદ સમગ્ર શહેરમાં હજુપણ પાણી ભરાયાની સ્થિતિ યથાવત્ છે. ખાસ કરીને ઘરમાં પાણી ભરાતા લોકોની ઘરવખરી અને અનાજનો જથ્થો પલળી ગયો હતો. જેથી ગામના સ્થાનિક અગ્રણીઓ આર.એસ.એસ.,રેડક્રોસ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 1600 જેટલા ફૂડ પેકેટ બનાવીને જરૂરિયાત વાળા લોકોને આપવામાં આવી રહ્યા છે. ખેતરો પણ પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની હાલાકી વધી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીરસોમનાથમાં જળ તાંડવ જોવા મળ્યુ છે. ભારે વરસાદના પગલે NDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા છે. પાણીની આફતમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં 195 પુરુષ, 185 મહિલા, 210 બાળકો સહિત 560 લોકોનું NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. વેરાવળ-સોમનાથના વિસ્તારોમાં વરસાદે આફત સર્જી છે. દરમિયાન જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન વંથલીના નાવડા ગામ બેટમાં ફેરવાયું હતું. ભારે વરસાદને પગલે ઓજત નદીમાં ઘોડાપૂર આવ્યાં છે. એટલું જ નહીં નદીના પાણી નાવડા ગામમાં ફરી વળ્યાં હતા. તેમજ ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડૂતોના પાકને નુકશાન થયું છે. નાવડા ગામ બેટમાં ફેરવાતા ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે.