નવી દિલ્હીઃ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગીરિરાજ સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને આકરા પ્રહાર કર્યાં છે. એટલું જ નહીં તેમણે દેશમાં ટ્રેન ઉથલાવવાની વધી રહેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને આને મોટુ કાવતરુ ગણાવ્યું હતું. જ્યારે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાને તાનાશાહ ગણાવીને કિમ જોંગ સાથે સરખામણી કરી હતી.
હરિયાણામાં કોંગ્રેસની હારને લઈને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “કોંગ્રેસ તેમના પ્રિન્સને વારંવાર લોંચિંગ પેડ પર લઈ જાય છે પરંતુ પ્રિન્સ લોન્ચ થતા નથી. હવે તેઓ હરિયાણાની હાર માટે હુડ્ડાને દોષી ઠેરવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “તેમણે (રાહુલ ગાંધી) હરિયાણાની હાર માટે હુડાને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સત્ય એ છે કે હરિયાણાની જનતાએ તેમને ફગાવી દીધા છે. તેઓ ક્યારેય ચૂંટણી પંચને દોષી ઠેરવી રહ્યા છે અને ક્યારેક કોઈ બીજાને કહી રહ્યા છે.” તેઓ કાશ્મીરમાં જીત્યા હતા, પરંતુ તેમણે 4 ડઝન બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ ત્યાં ભાજપે તેમને ખૂબ જ ખરાબ રીતે હરાવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દેશની અંદર જે ટ્રેન ઉથલાવવાના પ્રયાયોની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. આ મામલે મને જાણવા મળ્યું છે, એક સમુદાયના લોકો ટ્રેક ઉપર પથ્થર મુકી રહ્યાં છે. આ એક મોટુ કાવતરુ હોઈ શકે છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, “રાહુલ ગાંધી બંધારણનું ફોલ્ડર પોતાની પાસે રાખે છે, તેમની પાસે ચોક્કસપણે ફોલ્ડર છે પરંતુ તેની અંદર કંઈ નથી. તે લોકોને તે ફોલ્ડર બતાવીને જ ભ્રમ પેદા કરે છે.” આ દરમિયાન ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળની મમતા સરકારને તાનાશાહ ગણાવી હતી. તેમણે કહ્યું, “બંગાળમાં કિમ જોંગની સરકાર છે. મમતા બેનર્જીએ બંગાળને બાંગ્લાદેશ બનાવી દીધું છે. હવે લોકો ત્યાંથી ભાગવા માંગે છે.”