ગિરનાર પરિક્રમા દરમિયાન બોરદેવી નજીક કિશોરીને દીપડો ઉઠાવી ગયો, વન વિભાગને મૃતદેહ મળ્યો
જૂનાગઢઃ ગરવા ગિરનારથી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કારતક સુદ અગિયારસથી થઈ ગયો છે. ઘણાબધા પદયાત્રિઓએ પરિક્રમા પૂર્ણ કરીને પરત આવી ગયા છે. આ વખતે મોટી સંખ્યામાં પરિક્રમા યાત્રામાં લોકો જોડાયા છે. પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. એમાં ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક વહેલી સવારે એક કિશોરી પર દીપડાએ હુમલો કર્યો હતો. જાજરૂ કરવા ગયેલી કિશોરીને દીપડો ઉઠાવીને દૂર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ફાડી ખાધી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડતી ગઈ હતી. કિશોરીની શોધખોળ કરતા વન વિભાગની ટીમને માત્ર તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના રાજુલાના વિક્ટર ગામેથી પરિક્રમા કરવા આવેલા એક પરિવારની 11 વર્ષની કિશોરી પર દીપડાએ હુમલો કર્યો હતો. પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક જંગલ વિસ્તારમાં સવારે કિશોરી ટોઈલેટ માટે ગઈ હતી, ત્યારે અચાનક ધસી આવેલા દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો તેને જંગલ વિસ્તારમાં ખેંચી ગયો હતો. દીપડાની ચુંગાલમાંથી દીકરીને છોડાવવા માટે પરિવારે પાછળ દોડ લગાવી હતી, જોકે દીપડો તેને જંગલમાં દૂર લઈ જઈ નાસી ગયો હતો. પરિક્રમા રૂટ પરના વન વિભાગને દીપડાના હુમલાની જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ દોડી આવી હતી. વન વિભાગ દ્વારા જંગલમાં 50થી 70 મીટર દૂર જઈ કિશોરીને શોધી કાઢી હતી. જોકે તેનું મોત થઈ ગયું હતું. તેના મૃતદેહને વન વિભાગ દ્વારા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ.
વન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, પરિક્રમા રૂટ પર વન્ય પ્રાણી દ્વારા હુમલો થયો હોય એવી આ પ્રથમ ઘટના છે. વન વિભાગની ટીમે હાલ હુમલાખોર દીપડાને પકડવા માટે પાંજરાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરી છે. 11 વર્ષીય કિશોરી પર દીપડાએ હુમલો કરતાં પરિક્રમાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલ તો હુમલાની ઘટના બનતાં સીસીએફ, આરએફઓ સહિતનો વન વિભાગનો સ્ટાફ તપાસ કરી રહ્યો છે.
મૃતક દીકરીના પરિવારજનોએ જણાવ્યું હતું કે અમે લીલી પરિક્રમા કરવા જૂનાગઢ આવ્યા હતા, ત્યારે પરિક્રમા કરતા રસ્તામાં રાત્રિ રોકાણ કર્યું હતું. વહેલી સવારે છ વાગ્યે અમારી 11 વર્ષની દીકરી પાયલ થોડે દૂર ટોઇલેટ કરવા ગઈ હતી. આ દરમિયાન જંગલમાંથી દીપડો આવી ગયો હતો અને તેને ઉપાડીને લઈ ગયો હતો. અમારો પરિવાર દીકરીને બચાવવા દીપડા પાછળ દોટ મૂકી હતી. જોકે તે હાથ લાગી ન હતી. ત્યાર બાદ વન વિભાગના સ્ટાફને જાણ કરતાં તેમણે અમારી દીકરીને જંગલમાંથી શોધી કાઢી હતી, જોકે તેનું મોત થઈ ગયું હતું.