Site icon Revoi.in

ડેપ્યુટી કલેક્ટર હોવાની ફેક ઓળખ આપીને જ્વેલર્સને ઠગનારી યુવતી તેના પ્રેમી સાથે પકડાઈ

Social Share

સુરતઃ ગુજરાતમાં નકલી અધિકારી હોવાની ઓળખ આપીને લોકોને પ્રભાવિત કરી છેતરપિંડીના બનાવો વધતા જાય છે. ત્યારે સુરતમાં જ્વેલર્સ સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હતો. જેમાં એક યુવક અને યુવતી જ્વેલર્સના શો રૂમમાં ગયા હતા. જેમાં યુવતીએ પોતાનું નામ હેતલ પટેલ હોવાનું ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતી હોવાનું તેમજ તેનો પતિ સંજય પટેલ બનાસ ડેરીમાં મેનેજર હોવાનું કહ્યું હતું. અને મોટી મોટી વાતો કરીને જ્વેલર્સને પ્રભાવિત કર્યો હતો. ત્યારબાદ સોનાના ઘરેણા ખરીદવાનું કહીને 12 લાખથી વધુની કિંમતના ઘરેણા ખરીદીને નકલી ચેક આપ્યા હતા. જે બેન્કમાંથી બાઉન્સ થતાં અને જ્વેલર્સને પોતે ઠગાયા હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, સુરત પોલીસે અંબાજીથી ઠગ યુવતી અને તેના પ્રેમી યુવકને દબોચી લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના લંબે હનુમાન રોડ ઉપર શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા લખા મફાભાઈ રબારી માન દરવાજા 80 ફૂટ રોડ ઉપર ચામુંડા જવેલર્સના નામે દુકાન ધરાવે છે. ગત 31મી માર્ચે સવારે પોણા અગિયારેક વાગ્યે તેમની દુકાને એક હેતલકુમારી પટેલ નામથી યુવતી દાગીના ખરીદવા આવી હતી. અને  હેતલ પટેલ નામની યુવતીએ પોતે નવસારીના વાંસિયા તળાવ પાસે કોઠાર ફળિયાની વતની હોવાનું અને હાલ ગાંધીનગરમાં ડે. કલેક્ટરના હોદ્દા ઉપર હોવાનું જણાવ્યું હતું. તેમજ તેનો પતિ સંજય પટેલ પણ બનાસ ડેરીમાં મેનેજર હોવાનું જણાવી દાગીના ખરીદવાની ઇચ્છા દર્શાવી હતી. આ યુવતીએ 12.38 લાખના દાગીના ખરીદ્યા હતા અને બદલામાં બે નકલી ચેક આપ્યા હતા. પણ હેતલ સામે સોનીને શંકા ઉપજતી હતી. ત્યારે સોની ચેક સ્વીકારવાને લઈને ખચકાતા આ ઠગ યુવતીએ એક દિવસ પહેલાં જ સુરતના સારોલી પોલીસ મથકે પોતાના મોબાઇલ ફોનની ચીલઝડપની ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદમાં તેણે પોતાનો હોદ્દો ડે. કલેક્ટર તરીકેને લખાવ્યો હતો. જે બતાવી જ્વેલર્સને વિશ્વાસમાં લઈ લીધો હતો. જેથી યુવતીના ચેક સ્વીકારી લીધા હતા. વેપારીને મળેલા ઘરેણા સામેના ચેક બેંકમાં જમા કરાવ્યા હતા. આ ચેક રિટર્ન થતાં વેપારી દ્વારા યુવતીની ગાંધીનગરમાં તપાસ કરાવતા હેતલ પટેલ નામની કોઈ મહિલા ડે. કલેક્ટર નહિ હોવાનું બહાર આવતાં જવેલર્સ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો.

જવેલર્સ દ્વારા સલામતપુરા પોલીસને પોતાની સાથે થયેલી ઘટના અંગે જાણકારી આપી હતી અને સીસીટીવીના આધારે મહિલાનો ફોટો પોલીસને બતાવ્યો હતો. ત્યારે આ મહિલાનો ફોટો જોઈ પોલીસ તપાસ કરતા વ્યારાની આ ઠગ યુવતી હોવાની ઓળખ થઈ હતી. આ મહિલા સરકારી અધિકારીનો સ્વાંગ રચી વ્યારા, નવસારી અને સુરતમાં અનેકને છેતરી ચૂકી હતી. પોલીસને બાતમી મળી હતી કે, હેતલ તેના એક પ્રેમી સાથે બનાસકાંઠા ભાગી ગઈ છે અને બન્ને અંબાજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચવાના છે. જોકે, તેઓ અંબાજી મંદિર દર્શન કરવા પહોંચ્યા, ત્યારે સલાબતપુરા પોલીસ પહેલેથી જ તેની ફિરાકમાં ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારે હેતલ અને તેનો પ્રેમી જીતેન્દ્ર પટેલને મંદિર પહોંચતા જ પોલીસે બંનેને દબોચી લઇ સુરત લઇ આવી હતી.