જૂનાગઢઃ ગીરનારની લીલી પરિક્રમા આગામી 12 નવેમ્બરથી શરૂ થશે. આ લીલી પરિક્રમા ગિરનારના જંગલમાં યોજાય છે, જ્યારે ગિરનારનું જંગલ વાઇલ્ડ લાઇફ સેંચૂરીનો દરજ્જો ધરાવે છે, એટલે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકાયેલો છે ત્યારે જો કોઈ શ્રદ્ધાળુ જંગલમાં પ્લાસ્ટિક લઈ જશે તો પચ્ચીસ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.
ગરવા ગિરનારની ગોદમાં દિવાળી બાદ યોજાતી લીલી પરિક્રમા આગામી 12 નવેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરિક્રમાને જોડતા દરેક માર્ગોના દરવાજા ઉપર ચેક પોસ્ટ ઉભી કરી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે કોઈ પ્રવેશ ન કરે તે માટે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટ દ્વારા સેન્ટર વિસ્તારમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકી અને કડક અમલવારી કરવા માટેની તાકાત કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા ગિરનારનું જંગલ પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે ખાસ કવાયત કરવામાં આવી રહી છે.
જૂનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. અક્ષય જોશી એ માહિતી આપતા જણાવ્યું હતું કે અમોએ પહેલેથી જ લોકોને વિનંતી કરીએ છીએ કે ગિરનારના જંગલમાં કોઈએ પ્લાસ્ટિક સાથે પ્રવેશ કરવો નહીં તેમ છતાં કોઈ વ્યક્તિ જંગલમાં પ્લાસ્ટિક સાથે માલૂમ પડસે તો તેની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ના કાયદા મુજબ રૂપિયા 25,000 સુધીના દંડ તેમજ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે જેથી કરીને યાત્રાળુએ સાથે પ્લાસ્ટિક નહીં લઈ જવા વન વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીરનાર પર્વત ઉપર પ્રદુષણને લઈને અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર અને વન વિભાગને પ્રદુષણને અટકાવવા માટે જરુરી નિર્દેશ આપવામાં આવ્યાં હતા. બીજી તરફ વન વિભાગ પણ પ્રદુષણ ના ફેલાય તે માટે જરુરી પગલા ભરી રહ્યું છે.