Site icon Revoi.in

શિવરાત્રીના મેળાને લીધે ગિરનાર નેચર સફારી પાર્ક આજથી 8 માર્ચ સુધી બંધ રહેશે

Social Share

જૂનાગઢઃ શહેરમાં ભવનાથની તળેટીમાં શિવરાત્રીના મેળાનો આવતી કાલે તા, 5મી માર્ચથી પ્રારંભ થશે. મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોવાથી બંદોબસ્તમાં પોલીસ ઉપરાંત વન વિભાગના સ્ટાફને પણ તૈનાત કરવામાં આવ્યો છે. તેના લીધે ગિરનાર નેચર સફારી પાર્ક આજે તારીખ 4 થી 8 માર્ચ સુધી બંધ રહેશે. તેમજ તારીખ 9 માર્ચથી ગીર નેચર સફારી પાર્ક રાબેતા મુજબ શરૂ થઇ જશે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  જુનાગઢમાં ભવનાથ તળેટીમાં યોજાનારા મહાશિવરાત્રીના મેળાને કારણે દોલતપરા ગેઇટ નજીક આવેલા ગિરનાર નેચર સફારી પાર્કમાં ઓનલાઇન બુકીંગ તેમજ પાર્ક પ્રવાસીઓ માટે તારીખ 4 થી 8 માર્ચ દરમિયાન બંધ રહેશે. તેમજ ઓનલાઇન બુકીંગમાં પણ સ્લોટ બંધ રહેશે. તારીખ 9 માર્ચથી સફારી પાર્ક રાબેતા મુજબ શરૂ થઇ જશે., શિવરાત્રીના મેળાને વન વિભાગનો  તમામ સ્ટાફ બંદોબસ્તમાં રહેશે. મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ભવનાથમાં વન્યપ્રાણીઓની અવર- જવર પણ રહેતી હોય છે જેને લઇને કોઇ આકસ્મિક બનાવ ન બને તે માટે વન વિભાગના સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે.

જુનાગઢમાં ભવનાથ તળેટીમાં શિવરાત્રીનો મહામેળામાં મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી પડશે. સાધુ-સંતોનું તો બે-ત્રણ દિવસથી આગમન શરૂ થઈ ગયું છે. ભવનાથની તળેટીમાં રાવટીઓ પણ લાગી ગઈ છે. ભંડારા પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શિવરાત્રીના મેળાનુ સંચાલન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યુ છે, ખાસ કરીને બહારગામથી જે પણ લોકો આવતા હોય તેમને કોઈ અગવડ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે.મેળામાં પોલીસનો પણ પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તળેટી વિસ્તારમાં  દીપડા, ઘોરખોદિયું, જંગલી બિલાડી, શિયાળ, સાબર, ચિતલ, નીલગાય, સહિતના વન્ય પ્રાણી આવી જતા હોય છે. ત્યારે વન વિભાગના સ્ટાફને પણ તૈનાત કરાયો છે.