અમદાવાદઃ સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી સમયાંતરે પડતા વરસાદના ઝાપટાં અને ભારે પવન ફુંકાય રહ્યો છે. તેના લીધે જુનાગઢમાં ગિરનાર રોપ-વેની સેવા પ્રવાસીઓની સલામતી માટે બંધ કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસથી ભારે પવનને લીધે રોપવે સેવા બંધ હોવાથી રોપવેની મજા માણવા આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. પવનની ગતિમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી રોપવે સેવા બંધ રહે તેવી શક્યાતાઓ રહેલી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લામાં હવામાન ખરાબ હોવાના કારણે તેમજ ગિરનાર પર્વત ઉપર 90થી 110 કિ.મી.ની ઝડપે હાલ પવન ફૂંકાઈ રહ્યો છે. આથી પવનની ગતિ વધુ હોવાને લીધે ગિરનાર રોપવે છેલ્લાં 12 જેટલાં દિવસથી બંધ રાખવાની ફરજ પડી છે. દરરોજ સરેરાશ 1200 જેટલાં પ્રવાસીઓ રોપ વેની સફર માણી અને અંબાજી માતાને શીશ ઝુકાવી આશિર્વાદ લેવાં જતાં હોય છે. પરંતુ હાલમાં ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફૂંકાતો હોવાને લીધે મુસાફરોની સલામતીને ધ્યાને રાખીને રોપ-વે બંધ રાખવાની ફરજ પડી છે. પવનની ગતિ વધુ રહેશે ત્યાં સુધી પ્રવાસીઓની સલામતી માટે રોપ-વે સેવા ચાલુ રાખવામાં આવશે નહીં. હાલ શનિ-રવિ અને 15મી ઓગસ્ટને લીધે રજાનો માહોલ છે. ત્યારે ગિરનારના કૂદરતી નજારાને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. રોપવે સેવા શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
સોરઠ પંથકમાં હાલ વરસાદી વાતાવરણ છે, જેમાં માણાવદર, જૂનાગઢ પંથકમાં શુક્રવાર સવારથી હળવા વરસાદના ઝાપટા પડ્યા હતા. છેલ્લા એક સપ્તાહના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ પધરામણી કરતાં જુનાગઢ શહેર, ગિરનાર અને દાતાર ક્ષેત્રમાં સવારથી વરસાદી ઝાપટા વરસવા શરૂ થતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જૂનાગઢની સાથે સવારે માણાવદર માં બે મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો.