અમદાવાદઃ વર્તમાન સમયમાં ખાનગી શાળામાં પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા માટે વાલીઓમાં હરીફાઈ થઈ રહી છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળા ઉત્તમ પ્રકારની સરકારી શાળા સાબિત થઈ રહી છે. જ્યાં બાળકોને અભ્યાસ કરાવવા માટે વાલીઓએ વેઈટિંગમાં રહેવું પડે છે કારણ કે, આ શાળામાં શિક્ષકોની શિક્ષણ આપવાની યોગ્ય નીતિનાં કારણે આ શાળામાં આસપાસનાં 8 થી 10 ગામના વાલીઓ બાળકોને અભ્યાસ કરાવવા ઈચ્છે છે અને આ શાળામાંથી દર વર્ષે 4 થી 5 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા પણ પાસ કરે છે. અહીં ઉમદા તેમજ ઉચ્ચ શિક્ષણનો પાયો તૈયાર થાય છે.
તો અભ્યાસમાં નબળા બાળકો પ્રત્યે અહીં વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વાંચન, ગણન અને લેખન પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. નિયમિત અને નિરંતર શિક્ષણ એ અહીંનો ઉદ્દેશ્ય છે. આ શાળામાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાની સાથે પાઠ્યપુસ્તકો તેમજ સ્વાધ્યાય પોથી પણ સરકાર તરફથી આપવામાં આવે છે. 45 વિદ્યાર્થીઓને એક કલાસમાં સમાવી શકાય છે. અહીં પ્રજ્ઞા તેમજ સ્માર્ટ કલાસની પણ ઉપલબ્ધી છે. શિક્ષણ માટે તમામ આધુનિક સુવિધાઓ અહીં રહેલી છે. આની સામે શાળાના શિક્ષકો પણ મનથી સાથે વિદ્યાર્થીઓને ભણાવે છે. આ શાળામાંથી ભૂતકાળમાં બહાર આવેલા વિદ્યાર્થીઓ પૈકી દર બેચના 18 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ આજે સરકારી નોકરી કરી રહ્યા છે.
આગામી દિવસોમાં વાસાવડ ગામના દરેક ઘરમાં એક થી બે વ્યક્તિ સરકારી નોકરી કરતા હશે તેવું આ પ્રાથમિક શાળાની વર્તમાન શિક્ષણ પ્રણાલીને કારણે જણાઈ રહ્યું છે. રમત ગમત ક્ષેત્રે પણ શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ દરજ્જાનું સ્થાન મેળવી રહ્યા છે. વાસાવડની આ શાળામાં પ્રાંચી, ઘંટીયા, ટીંબડી, આલિદ્રા, પ્રાંસલી સહિતના ગામોમાંથી અભ્યાસ અર્થે 130 જેટલા બાળકો ભણવા આવે છે. અહીં કુલ 257 બાળકો અભ્યાસ કરે છે.