Site icon Revoi.in

રાજ્યના ખેડુતોના વીજ મીટરને બદલે હોર્સપાવરથી વીજળી આપો, કિસાન સંઘના ધરણાં

Social Share

અમદાવાદઃ રાજ્યના ખેડુતોને વીજ મીટર પદ્ધતિ દુર કરીને હોર્સપાવર પદ્ધતિથી વીજળી આપવા સહિત ખેડુતોના વિવિધ પ્રશ્નોને લઈને કિશાન સંઘ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કિસાન સંઘ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે. રાજકોટના જિલ્લા કલેક્ટર તેમજ નડિયાદ કલેકટર કચેરી ખાતે પોતાની વિવિધ માંગો સાથે ધરણા અને આવેદનપત્રો આપવામાં આવ્યો હતો. અને એવી રજુઆત કરવામાં આવી હતી કે, વીજ મીટર પદ્ધતિ દૂર કરી હોર્સપાવર પદ્ધતિથી વીજળી આપવામાં આવે, સૂર્યોદય યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં હાલ દરેક તાલુકામાં એક એક જ ફીડર ચાલુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તળાવ ભરવાની જાહેરાત કરી પરંતુ હજુ સુધી એક પણ તાલુકા મથકે તળાવ ભરવામાં આવ્યા નથી. અગાઉ પણ તાલુકા મથકે અમે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પરંતુ સરકાર ખેડુતોની વાત ન સંભળતી હોવાથી કિશાન સંઘ દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. ખેડુતોની માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી પણ કિશાન સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

કિશાન સંઘના અગ્રણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટાભાગની નહેરો સાફ ન કરાતી હોવાના કારણે ખેતર સુધી પાણી ફોર્સથી મળતુ નથી‌. ઉપરાંત નહેરની વ્યવસ્થા પણ અમુક જગ્યાએ નથી. સરકારે મોટા ઉપાડે તળાવમાં પાણી ભરવાનું આયોજન કરાયું તે પણ પડતું મુકાયું છે. જેથી સરકાર ખેડુતોની આ માગણીઓ સ્વીકારે અને તેના ઉપર ધ્યાન આપે તે જરૂરી છે. જિલ્લાના 10 તાલુકાના ખેડૂતો પોતાની માંગણી નહી સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવો કરવા તૈયારી બતાવી છે. વીજ મીટર આધારિત વિજદરને હોર્સ પાવર આધારિત વીજદરમાં લાવવા સહિતના પ્રશ્નોનું સમાધાન સરકાર કરે તેવી લોક માંગ કરી છે. વરસાદી વાતાવરણ છતાં પણ સિંચાઈ માટેની નહેરો યોગ્ય સાફ ન થયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો છે. ખેડા જિલ્લાના અંદાજે 100 થી વધુ ખેડૂતોએ કલેકટરને રોષ પૂર્વક રજૂઆત કરી હતી. કૃષિ પ્રધાન દેશમાં ધરતીપુત્રોને  પોતાની વિવિધ માંગણીઓને લઇને લડવુ પડે એ સરકાર માટે સરમજનક છે.

કિશાન સંઘના અગ્રણીએ વધુમાં જણાવ્યું હતું કે, એકબાજુ વાવણીનો સમય છે તો બીજી બાજુ ખેડૂતોને સરકારની નવી નીતીઓ સામે આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. હાલમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બન્નેના વીજદરમાં તફાવત છે. જેથી મીટર આધારીત ખેડૂતોને નુકશાની જાય છે. આથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા માંગ ઉઠી છે.