દિલ્હી:દેશભરમાં ગુરૂવારે ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ખાસ વાત એ છે કે,આ વખતે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને કર્તવ્ય પથના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા શ્રમજીવીઓને પરેડ જોવા માટે સ્પેશિયલ પાસ આપવામાં આવ્યા હતા.તેઓને VVIPને બદલે પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા હતા.પીએમ મોદીએ પણ આ શ્રમજીવીઓને શુભેચ્છા પાઠવી હતી.આ કામદારોમાં ગાર્ડનર સુખ નંદન પણ સામેલ હતા.
સુખ નંદને કહ્યું કે,જ્યારે પીએમ મોદી તેમને મળવા આવ્યા ત્યારે તેઓ વડાપ્રધાનને આટલા નજીક જોઈને ખૂબ ખુશ થયા.પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે,જો તેમને તક મળે તો તેઓ પીએમ મોદીને શું કહેશે? તેના પર તેમણે કહ્યું કે,તેમના જૂના કોન્ટ્રાક્ટરે 44 દિવસથી તેમનું વેતન ચૂકવ્યું નથી, આ સ્થિતિમાં તેઓ પીએમ મોદીને વેતન મેળવવા માટે અપીલ કરશે.
ન્યૂઝ એજન્સી અનુસાર, સુખ નંદન મધ્યપ્રદેશના નિવારી જિલ્લાના રહેવાસી છે.તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીને આટલી નજીકથી જોઈને ખૂબ જ ખુશ છે.તેણે કહ્યું કે જ્યારે પીએમ મોદી નજીક આવ્યા અને હાથ મિલાવીને તેમનું અભિવાદન કર્યું તો તેઓ ખૂબ જ ખુશ થયા.તેણે કહ્યું, હું આવા કાર્યક્રમનો ભાગ બનીને ખુશ છું.મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ગણતંત્ર દિવસ પર ખાસ મહેમાન બનીશ.
જો કે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો તક આપવામાં આવે તો તેઓ પીએમ મોદીને શું કહેશે? આના પર તેણે કહ્યું કે હું પીએમ મોદીને કહીશ કે મારું વેતન મેળવવામાં મદદ કરે.નંદન છેલ્લા 2 મહિનાથી ઈન્ડિયા ગેટ ખાતે બાગાયત વિભાગમાં કામ કરે છે.અગાઉ તે કોન્ટ્રાક્ટર મારફતે આંધ્ર ભવનમાં કામ કરતા હતા.
નંદને જણાવ્યું કે,કોન્ટ્રાક્ટરે તેનો 44 દિવસનો પગાર આપવાનો ઇનકાર કરી દીધો.નંદન દાવો કરે છે કે તેમની પાસે હાજરી રજિસ્ટરની એક નકલ પણ છે, જેની મદદથી તે 44 દિવસ સુધી પોતાની હાજરી પુરવાર કરી શકે છે.નંદન તેની પત્ની અને બાળક સાથે ઈન્ડિયા ગેટ પાસેના કામચલાઉ ટેન્ટમાં રહે છે.તેણે કહ્યું કે,કોન્ટ્રાક્ટર તેનો પગાર આપવા તૈયાર નથી.તેથી મેં તેનું બ્રશ કટર પરત કરવાની ના પાડી.નંદને કહ્યું, તેણે કોન્ટ્રાક્ટરને કહ્યું છે કે,મારો પગાર ચૂકવો અને તેનો માલ પાછો લઈ લો.
સ્થાનિક સંસ્થાઓ ખાનગી કોન્ટ્રાક્ટરોને કામ આઉટસોર્સ કરે છે.આ કોન્ટ્રાક્ટરો સરકાર દ્વારા નક્કી કરાયેલા દરે ચૂકવણીના વચન સાથે મજૂરોને નોકરીએ રાખે છે.ઘણી વખત આ કામદારોનું શોષણ થાય છે અને કોન્ટ્રાક્ટરો એક યા બીજા બહાને તેમનું વેતન ચૂકવવાનો ઇનકાર કરે છે.
નંદનના કહેવા પ્રમાણે, સ્થાનિક સંસ્થા દ્વારા ગાર્ડનરનો પગાર 14,586 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.આવી સ્થિતિમાં 44 દિવસનો મારો પગાર 21000 રૂપિયાની આસપાસ થઈ ગયો. પરંતુ કોન્ટ્રાક્ટર માત્ર રૂ.6 હજાર આપવાની વાત કરી રહ્યો છે.આટલું જ નહીં, નંદને કહ્યું કે કોન્ટ્રાક્ટર તેને તેના સામાન માટે એફઆઈઆરની ધમકી પણ આપી રહ્યો છે.તેમણે કહ્યું કે જો મને સરકાર તરફથી કોઈ મદદ મળશે તો હું તેમનો આભારી રહીશ.
સાથે જ નંદનના જૂના કોન્ટ્રાક્ટર જીતેન ઉપાધ્યાયનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, કેટલાક વિવાદના કારણે પગાર ચૂકવાયો નથી.કોન્ટ્રાક્ટરે કહ્યું કે મને લાગે છે કે 21000 રૂપિયા બાકી નથી.આમ છતાં તે બ્રશ કટર આપી રહ્યો નથી.તેણે પહેલા તે પરત કરવું પડશે.